ખાસ સત્રના પ્રથમ દિવસે બિલ રજૂ થતા વિપક્ષ-સરકાર વચ્ચે ઉગ્ર ચર્ચા, બંધારણીય સુધારાનું બિલ લોકસભામાં 185 સામે 251ની બહુમતીથી રજૂ
વિપક્ષોનું મહિલા અનામતને પૂર્ણ સમર્થન: નવા સિમાંકન મદ્ે કાલે સરકારનો લિટ્મસ ટેસ્ટ: અમિત શાહે વિપક્ષ સામે એકલા હાથે મોરચો સંભાળ્યો
ભારતીય લોકશાહીના ઇતિહાસ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. આજથી સંસદનું વિશેષ સત્ર શરૂૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે જ સરકારે મહિલા અનામત (131મો બંધારણીય સુધારો) અને સીમાંકન બિલ રજૂ કર્યું છે. જે 185 વિપક્ષના મત સામે 251 સરકાર તરફી મતથી રજુ થયું હતું. સરકારે ખાતરી આપી છે કે અમે આ બિલ પર મધ્ય રાત્રિ સુધી પણ ચર્ચા કરીને જવાબ આપવા માટે તૈયાર છીએ. આવતીકાલે સાંજે 4 વાગ્યે બિલ પર મતદાન કરવામાં આવશે.
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બિલો રજૂ કરતાની સાથે જ ચર્ચાનો પ્રારંભ કર્યો હતો. આ બિલો પર આજે સતત 12 કલાક સુધી ચર્ચા ચાલશે, જે મધ્યરાત્રિ સુધી પણ લંબાઈ શકે છે. ચર્ચાના અંતે આવતીકાલે એટલે કે ગુરુવારે સાંજે 4:00 વાગ્યે નિર્ણાયક મતદાન હાથ ધરવામાં આવશે. વિપક્ષ મહિલા અનામતનું સમર્થન કરે છે પણ સીમાંકન મુદ્દે વિરોધ કરી રહ્યું છે. જેમાં વિપક્ષનો આરોપ છે કે સીમાંકન દ્વારા ઉત્તર ભારતના રાજ્યોની બેઠકો વધારવામાં આવશે, જેનાથી દક્ષિણ ભારતના રાજ્યોનું રાજકીય કદ ઘટી શકે છે. આ ઉપરાંત અખિલેશ યાદવે સવાલ ઉઠાવ્યો છે કે OBC અને મુસ્લિમ મહિલાઓ માટે અલગ ક્વોટા કેમ નથી? તો તમિલનાડુના CM એમ.કે. સ્ટાલિને આ બિલને ’કાળો કાયદો’ ગણાવી તેની નકલો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના તમામ આક્ષેપો ફગાવતા કહ્યું કે, સરકાર વસતી ગણતરી અને જાતિ ગણતરી કરવા માટે તૈયાર છે, પરંતુ ધર્મના આધારે અનામત આપવું તે ગેરબંધારણીય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ મહિલાઓના સન્માન અને રાષ્ટ્રના વિકાસ માટે અનિવાર્ય છે.
“તમારી પાસે 21 રાજ્યોમાં સરકારો છે, ત્યાં કેટલા મહિલા મુખ્યમંત્રીઓ છે? અખિલેશ યાદવ
અખીલેશ યાદવે જણાવ્યું હતું કે ભાજપે સ્પષ્ટ કરવું જોઈએ કે તેમની પાર્ટી જે 21 રાજ્યોમાં સત્તા ધરાવે છે ત્યાં કેટલી મહિલાઓ મુખ્યમંત્રી તરીકે સેવા આપે છે. દિલ્હીમાં દેખાતી મહિલા નેતૃત્વને પણ ઘણીવાર “અર્ધ-મુખ્યમંત્રી” તરીકે ઓળખવામાં આવે છે. સુસંગત પ્રશ્ન એ છે કે: તેમની પાસે ખરેખર કેટલી સત્તા છે? દેશની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપ પોતાના સંગઠનાત્મક માળખામાં મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ કેમ આપી શકતી નથી? જ્યારે તેમના ધારાસભ્યો સમગ્ર દેશમાં ચૂંટાયા છે, ત્યારે તેમની વચ્ચે મહિલા પ્રતિનિધિત્વ 10 ટકાથી વધુ કરવામાં નિષ્ફળ જાય છે. લોકસભામાં તેમની સંખ્યાત્મક શક્તિ પણ ચકાસણીનો વિષય રહે છે અને પ્રશ્નો ઉભા કરે છે.
જે બિલનો વિરોધ કરશે તે હારશે: મોદી
લોકસભામાં આજે મહિલા અનામત બિલ રજૂ થયું છે ત્યારે વિપક્ષના ભારે દેકારા વચ્ચે વડાપ્રધાન મોદીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યુંહ તું કે, મહિલા અનામત બિલનો જે લોકો વિરાોધ કરશે તે હારશે, બિલનો વિરોધ કરનારને મહિલાઓ અને દેશ કયારેય માફ કરશે નહીં. મારી વિરોધ કરનારને સલાહ છે કે, સાથે મળીને બિલ પાસ કરવામાં સૌનો ફાયદો છે. આમાં રાજનીતિ કરવાની જરૂર નથી. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ બિલ મંથનથી જે અમૃત નીકળશે તે દેશની દિશા બદલી નાખશે. આ બિલ 25-30 વર્ષ પહેલા પાસ થવું જોઈતું હતું પરંતુ થયું નથી જે દુ:ખની વાત છે. વડાપ્રધાનની સ્પીચ દરમિયાન વિપક્ષોએ ભારે દેકારો પણ મચાવ્યો હતો.
બંધારણ સુધારા બિલ રદ કરવા કોંગ્રેસના સાંસદની નોટિસ
કોંગ્રેસના સાંસદ હિબી એડને લોકસભામાં બંધારણ (એકસો એકત્રીસમો સુધારો) બિલ, 2026 રજૂ કરવાનો વિરોધ કરતા ઔપચારિક નોટિસ આપી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પ્રસ્તાવિત કાયદો દેશમાં સંઘીય માળખા અને વાજબી પ્રતિનિધિત્વ માટે ખતરો છે. ગુરુવારે લોકસભાના સેક્રેટરી-જનરલને કાર્યવાહીના નિયમોના નિયમ 72 હેઠળ સુપરત કરાયેલી નોટિસમાં, એડને બિલ રજૂ કરવાનો પ્રતિકાર કરવાનો પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો, અને દલીલ કરી હતી કે તે “બંધારણ પર સ્પષ્ટ હુમલો છે.”
તેમણે દલીલ કરી હતી કે કલમ 82 અને 334અ માં પ્રસ્તાવિત સુધારા “એ બંધારણીય આધારને દૂર કરશે જે ઐતિહાસિક રીતે સીમાંકનને તાજેતરની વસ્તી ગણતરી સાથે જોડે છે,” જેનાથી નીચલા ગૃહની રચનામાં મનસ્વી ફેરફારોનો માર્ગ ખુલશે.
“આ બિલ લોકસભામાં મનસ્વી રીતે બેઠકો વધારવા અને સીમાઓ ફરીથી બનાવવાનો પ્રયાસ કરે છે, જે કેરળ જેવા દક્ષિણ રાજ્યોને નુકસાન પહોંચાડશે અને હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોની તરફેણમાં સંઘીય સંતુલનને વિકૃત કરશે,” એડને તેમની નોટિસમાં જણાવ્યું હતું, પ્રાદેશિક સમાનતા અને પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ નેતાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે સરકારનું પગલું રાજકીય રીતે પ્રેરિત છે અને ખરેખર મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલું નથી. “આ બિલનો મહિલા અનામત સાથે કોઈ લેવાદેવા નથી – આ સંપૂર્ણપણે ભાજપનો તેમના રાજકીય લાભ માટે ઉતાવળમાં સીમાંકન કરવાનો અને જાતિ ચર્ચાથી સંપૂર્ણપણે છટકી જવાનો પ્રયાસ છે,” તેમણે કહ્યું હતું. એડને એ પણ નિર્દેશ કર્યો હતો કે પ્રસ્તાવિત કાયદો એંગ્લો-ઇન્ડિયન સમુદાય માટે પ્રતિનિધિત્વના મુદ્દાને સંબોધવામાં નિષ્ફળ જાય છે, નોંધ્યું હતું કે 104મા બંધારણીય સુધારા પછી તેમની અનામત બેઠકો બંધ કરવામાં આવી હતી. “સરકારે એંગ્લો-ઇન્ડિયનો માટે અનામતના મુદ્દાને સંબોધ્યો નથી,” તેમણે ઉમેર્યું હતું.
