શહેરના નાનામવા ગામ વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે થયેલ ચકચારી મર્ડર કેસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. મુખ્ય આરોપીને હથિયારો અને જીવતા કારતૂસ પુરા પાડનાર વિરમગામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ તપાસ દરમિયાન હથિયાર સપ્લાય કરનાર આરોપીની વાડી માંથી વધુ એક ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટલ પણ શોધી કાઢવામાં આવી છે.બીજી તરફ રિમાન્ડ ઉપર રહેલ મુખ્ય આરોપી રણજીત વાળાને પોલીસ કસ્ટડીમાં છાતીમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ, ગત તા. 08/07/2026ના રોજ રાત્રિના મોકાજી સર્કલ નજીક, નાનામવા ગામની શેરી નં. 4 માં ’આશાપુરા કૃપા’ મકાન પાસે હત્યાનો બનાવ બન્યો હતો. નાનામવાના કૃષ્ણસિંહ જાડેજા સાથે આરોપી રણજીત વાળાના બે પુત્રો રાજવીર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને કૃષ્ણસિંહ જાડેજા તથા રહેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ ’આને મારી જ નાખો, જીવતો ના રહેવો જોઈએ’ તેવી ઉશ્કેરણી કરી મારામારી કરી હતી. મુખ્ય આરોપી રણજીત નાજભાઇ વાળાએ પોતાની પાસે રહેલી ગેરકાયદેસર બંદૂકમાંથી ફાયરિંગ કરતા કૃષ્ણસિંહ જાડેજાનું મોત થયું હતું. જ્યારે રહેન્દ્રસિંહ જાડેજાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી.
આ ચકચારી બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને જોતા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક અને ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા દ્વારા કડક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એ.એસ.ચાવડાના સુપરવિઝન હેઠળ પી.આઈ. એમ.એલ. ડામોરની અધ્યક્ષતામાં સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામ આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો આ કેસમાં મુખ્ય આરોપી રણજીત વાળા અને તેના પુત્ર રાજવીર વાળા તેના નાના ભાઈ બાળ કિશોરને દબોચી લીધા હતા.
મુખ્ય આરોપી રણજીત વાળાની પોલીસ રિમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે હત્યામાં વપરાયેલા બે હથિયારો અને રાઉન્ડ તેણે વિરમગામના શિવરાજભાઇ ધાંધલ પાસેથી ખરીદ્યા હતા. આ ખુલાસા બાદ ક્રાઇમ બ્રાન્ચની એક ખાસ ટીમ તુરંત જ વિરમગામ રવાના કરવામાં આવી હતી અને હથિયાર સપ્લાયર વિરમગામ વ્રજ વિહાર હોમ્સ સોસાયટી-2, હાઉસ નં.5, પોપટ ચોકડી, પંચમુખી હનુમાન સર્કલ પાસે રહેતા શીવરાજભાઇ નાજભાઇ ધાંધલ (ઉવ42)ની ધરપકડ કરવામાં આવી હતી.
પકડાયેલ શિવરાજ ધાંધલની ઘનિષ્ઠ પૂછપરછ કરી તેને સાથે રાખી વિરમગામના જગસી રોડ પર આવેલી તેની વાડીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાંથી પોલીસને વધુ એક રૂૂ. 10,000 ની કિંમતની દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી. આ અંગે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી શિવરાજ ધાંધલ અગાઉ પણ વિરમગામમાં મારામારી અને સરકારી ફરજમાં રુકાવટ તેમજ જેતપુરમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે.બીજી તરફ રિમાન્ડ ઉપર રહેલ રણજીત વાળાને પોલીસ લોકઅપમાં છાતીમાં દુખાવો ઉપડતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
