ગોંડલ તાલુકાના શેમળામાં કંપનીના કવાર્ટરમાં સુપરવાઇઝરનો આપઘાત

ગોંડલ તાલુકાના શેમળા ગામ પાસે આવેલી સીટ્સ એન્જીનીયરીંગ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ક્વાર્ટરમાં એક યુવાન સુપરવાઇઝરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના હોળીના તહેવારની…

ગોંડલ તાલુકાના શેમળા ગામ પાસે આવેલી સીટ્સ એન્જીનીયરીંગ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ક્વાર્ટરમાં એક યુવાન સુપરવાઇઝરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના હોળીના તહેવારની રજા દરમિયાન બની હતી. મૃતક છત્તીસગઢના જાંજગીર જિલ્લાના પોન્ચ ગામનો વતની ભુપેન્દ્રકુમાર ઓમપ્રકાશ કેવટ (ઉં.વ. 25) હતો.

ભુપેન્દ્રકુમાર છેલ્લા ચાર-પાંચ વર્ષથી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો અને કંપનીની કોલોનીમાં એકલો રહેતો હતો. હોળીની રજા હોવાથી કંપનીમાં કામકાજ બંધ હતું. સવારે લાંબા સમય સુધી તેણે પોતાની ઓરડીનો દરવાજો ન ખોલતા, આસપાસ રહેતા અન્ય કર્મચારીઓને શંકા ગઈ હતી. દરવાજો અંદરથી બંધ હોવાથી કર્મચારીઓએ બારી તોડીને જોતા ભુપેન્દ્ર પંખાના હુક સાથે દોરી વડે લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે ઓરડીનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો અને મૃતદેહને નીચે ઉતારી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મૃતક ભુપેન્દ્રકુમાર અપરિણિત હતો અને તેના પરિવારમાં માતા-પિતા તથા ત્રણ ભાઈઓમાં સૌથી મોટો હતો. ઘરની જવાબદારી સંભાળતા જુવાનજોધ દીકરાના મોતના સમાચારથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હાલમાં આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *