કેન્દ્રિય મંત્રી ડો.મનસુખ માંડવિયા, રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયા રહેશે ઉપસ્થિત
પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાના સઘન પ્રયાસો અને વિકાસલક્ષી અભિગમના પરિણામે પોરબંદર આજે ઝડપી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. પોરબંદરને ઔદ્યોગિક, આર્થિક અને આધુનિક માળખાકીય વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે ડો. માંડવિયાએ અનેક મહત્વાકાંક્ષી યોજનાઓને ગતિ આપી છે. સ્વપ્નદ્રષ્ટા લોકસેવક તરીકે તેઓ પોરબંદરનું કાયાકલ્પ કરવા સતત કાર્યરત છે.
તે જ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલરૂૂપે આગામી તા. 13 જૂનથી બે દિવસીય ’વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગજગત સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી તથા પોરબંદરના લોકસભા સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયા અને ગુજરાત સરકારના મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં હિતધારકો સાથે સંવાદ યોજાશે. પોરબંદરમાં ઔદ્યોગિક વિકાસ અને આવનાર સમયમાં ઔદ્યોગિક રૂૂપરેખાના વિસ્તરણ માટે આ સમિટ એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે.
સમિટમાં ભાગ લેવા આવેલા દેશ-વિદેશના પ્રતિનિધિઓ 14 જૂન, 2026ના રોજ પોરબંદરમાં ફર્નિચર પાર્ક માટે સૂચિત સ્થળોની મુલાકાત પણ લેશે. પોરબંદર નજીક સ્થિત ભારવાડા ખાતે આ પાર્ક નિરીક્ષણ દ્વારા પ્રોજેક્ટની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે તેમજ સ્થાનિક સ્તરે વિકસાવાની થતી માળખાકીય સુવિધાઓ અંગે અવલોકન કરવામાં આવશે.
