ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડનો આદેશ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બાળકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડતા ટાઇપ-2 ડાયાબિટીસ અને સ્થૂળતાના વધતા જતા પ્રમાણને અંકુશમાં લાવવા માટે એક પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)ના નિર્દેશોને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને વધુ પડતા ખાંડના સેવનના જોખમોથી માહિતગાર કરવા માટે શુગર બોર્ડની સ્થાપના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે,અગાઉ પણ આ પ્રકારની તાકીદ કરવા છતાં યોગ્ય અમલ ન થતાં હવે આ પ્રકારની કાર્યવાહી શરૂૂ કરાઈ છે.
NCPCRના અભ્યાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે 4થી 10 વર્ષની વયના બાળકો દૈનિક કેલરીના સેવનમાં સરેરાશ 13 ટકા અને 11થી 18 વર્ષના કિશોરો 15 ટકા જેટલી અતિશય ખાંડનો ઉપયોગ કરી રહ્યા છે, જે વાસ્તવમાં માત્ર 5 ટકા જ હોવી જોઈએ. શાળાઓની આસપાસ સરળતાથી ઉપલબ્ધ બનતા જંક ફૂડ, ઠંડા પીણાં અને પ્રોસેસ્ડ ખોરાક પ્રત્યે બાળકોનું વધતું આકર્ષણ તેમને ડાયાબિટીસ, સ્થૂળતા, દાંતની ગંભીર સમસ્યાઓ તેમજ અન્ય મેટાબોલિક વિકૃતિઓ તરફ ધકેલી રહ્યું છે. બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર પાઠવીને તાકીદ કરી છે કે દરેક શાળાએ યોગ્ય જગ્યાએ શુગર બોર્ડ પ્રદર્શિત કરવાનું રહેશે. આ શુગર બોર્ડમાં દૈનિક ખાંડનું નિર્ધારિત પ્રમાણ, સામાન્ય ખાદ્ય પદાર્થોમાં રહેલી ખાંડની માત્રા અને તેનાથી થતા સ્વાસ્થ્યના નુકસાન વિશે વિગતવાર માહિતી પ્રદાન કરવાની રહેશે જેથી બાળકોમાં સાચી સમજ કેળવાય.
