કચ્છ રેલવેના ઇતિહાસમાં નવા અધ્યાયનો પ્રારંભ, ઝડપી પરિવહનથી ઉદ્યોગોને થશે ફાયદો
પશ્ચિમ રેલવે દ્વારા કચ્છના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાના હેતુથી હાથ ધરાયેલ ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ (Quadrupling) અને ‘Y’ કનેક્ટિવિટીનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. રેલ સુરક્ષા આયુક્ત (CRS) દ્વારા હાથ ધરવામાં આવેલ સ્પીડ ટ્રાયલમાં ટ્રેને 120 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.
આ ઐતિહાસિક સ્પીડ ટ્રાયલ ’મહાવીર ચક્ર કેપ્ટન કપિલ સિંહ થાપા’ નામના શક્તિશાળી એન્જિન સાથે કરવામાં આવ્યું હતું. રેલ સુરક્ષા આયુક્ત ઈ. શ્રીનિવાસ અને અમદાવાદ ડિવિઝનના રેલવે અધિકારીઓની હાજરીમાં આ નવા ટ્રેકનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કંડલા અને મુન્દ્રા બંદરથી થતા માલ પરિવહન માટે આ રેલખંડ અત્યંત વ્યસ્ત રહેતો હતો. ત્રીજી અને ચોથી લાઇન શરૂૂ થવાથી હવે આ સેક્શન પર દરરોજની 150 જેટલી માલગાડીઓ દોડાવી શકાશે, જે હાલમાં માત્ર 50-60ની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત માલગાડીઓના ટર્નઅરાઉન્ડ સમયમાં ઘટાડો થવાથી ક્ધટેનર, પેટ્રોલિયમ, ખાતર અને મીઠાના પરિવહનમાં ઝડપ આવશે, જેનો સીધો લાભ સ્થાનિક ઉદ્યોગોને મળશે. આ પ્રોજેક્ટની સૌથી મહત્વની વિશેષતા ’વાય’ કનેક્ટિવિટી અને નવનિર્મિત ગોપાલપુરી સ્ટેશન છે.
અત્યાર સુધી અમદાવાદ તરફથી આવતી ટ્રેનોને ભુજ જવા માટે ગાંધીધામમાં એન્જિનની દિશા બદલવી પડતી હતી. હવે ગોપાલપુરી સ્ટેશનથી ટ્રેન સીધી જ ભુજ તરફ જઈ શકશે. આ ફેરફારથી પ્રત્યેક ટ્રેનનો 20% 25 મિનિટનો સમય બચશે અને ઇંધણના વપરાશમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. ગાંધીધામ શહેરના 78મા સ્થાપના દિવસના પૂર્વે મળેલી આ ભેટ કચ્છના સામાજિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે. પર્યટન, રોજગારી અને ઔદ્યોગિક રોકાણ માટે આ મજબૂત રેલવે નેટવર્ક પાયાનો પથ્થર સાબિત થશે.
