સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વહીવટી અણઘડતા અને વિદ્યાર્થીઓના વિરોધને કારણે ચર્ચામાં આવી છે. ગત 22 જાન્યુઆરીના રોજ લેવાયેલી બી.કોમ. સેમેસ્ટર-1 ની પરીક્ષામાં ‘પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ’ના ઓપ્શનલ પેપરમાં થયેલા છબરડા અને કુલપતિની ચેમ્બરમાં રાષ્ટ્રપિતા અને બંધારણના ઘડવૈયાની તસવીરો ન હોવાના મુદ્દે વિદ્યાર્થી આગેવાનોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
કુલપતિની ચેમ્બરમાં મહાપુરુષોની તસવીરો ભેટ અપાઈ વિદ્યાર્થી આગેવાનોએ કુલપતિ ડો. ઉત્પલ જોશીની ચેમ્બરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ડો. બાબાસાહેબ આંબેડકરની તસવીર ન હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધના ભાગરૂૂપે વિદ્યાર્થીઓએ કુલપતિને ગાંધીજી, આંબેડકર અને શહીદ ભગતસિંહ સહિતના ક્રાંતિકારીઓની તસવીરો ભેટમાં આપી હતી અને ચેમ્બરમાં આ તસવીરો સન્માનપૂર્વક લગાવવા રજૂઆત કરી હતી.
ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કુલપતિએ ‘મોડરેટ સિસ્ટમ’ દાખલ કરવાની જાહેરાત કરી છે. જે મુજબ, હવેથી કોલેજોને પેપર ઈમેલ કરતા પહેલા ત્રણ અધ્યાપકો દ્વારા પેપર સેટ કરવામાં આવશે અને તેમાંથી પસંદ થયેલું પેપર સ્ટાઇલ અને માર્ક્સ મુજબ યોગ્ય છે કે કેમ, તેની ચકાસણી કર્યા બાદ જ પરીક્ષા કેન્દ્ર પર મોકલવામાં આવશે.
