માતા-પિતા વારંવાર ઝઘડતા હોવાથી પુત્રને મનમાં લાગી આવતા જીવ દીધો
જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થી યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. પોતાના માતા-પિતા વારંવાર ઝઘડતા હોવાથી મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં રહેતા અને અભ્યાસ કરતા કનૈયા હેમરાજભાઈ ગેડા નામના 20 વર્ષના વિદ્યાર્થી યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેને બેશુદ્ધ અવસ્થામાં નીચે ઉતારીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ વનરાજ હેમરાજભાઈ ગેડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના એએસઆઈ હરિહરભાઈ પાંડવ બનાવના સ્થળે, અને ત્યારબાદ સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને વિદ્યાર્થી યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન મૃતકના મોટાભાઈએ જણાવ્યું હતું કે તેઓના માતા-પિતા વારંવાર ઝઘડો કરતા હોવાથી પુત્રને પસંદ નહીં પડતાં મનમાં લાગી આવ્યું હતું, અને ગળાફાંસો ખાઈ લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હોવાનું જણાવ્યું છે.
સાપર ગામેથી દારૂના 336 ચપલા મળ્યા
જામનગર-ખંભાળિયા હાઈવે પર શાપર ગામમાં વીજ કંપનીની બંધ પડેલી પડતર ઓફિસમાં દારૂૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી પોલીસે પાડેલા દરોડામાં 336 ચપલા સાથે શાપર ગામનો એક શખ્સ ઝડપાઈ ગયો છે. જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ગામથી આગળ શાપર ગામ નજીક એક પડતર મકાનમાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈરાત્રે શાપરમાં જીઈબીની બંધ પડેલી પડતર ઓફિસમાં દરોડો પાડ્યો હતો. આ ઓફિસમાં તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂૂ ના 336 ચપલા મળી આવ્યા હતા. આ જથ્થા સાથે શાપર ગામના અજયસિંહ રણજીતસિંહ જાડેજા ઉર્ફે લાલા નામના શખ્સની ધરપકડ કરાઈ છે. પોલીસે દારૂૂનો જથ્થો, એક મોબાઈલ મળી કુલ રૂૂ.72200 નો મુદ્દામાલ કબજે લીધો છે.
