રાજકોટ એસ.ટી બસપોર્ટ પર રખડું શ્ર્વાનોનો અડિંગો: મુસાફરોમાં ગભરાટ

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પ્રવીણભાઈ લાખાણી, જયંતીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ વાગડિયાની…

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પ્રવીણભાઈ લાખાણી, જયંતીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ વાગડિયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટનું એસ.ટી બસ પોર્ટ બોડી બામણીનું ખેતર અને બાવો રખોલીયા જેવી સ્થિતિ છે. અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ એસ ટી બસ પોર્ટમાં ચાલી રહ્યો છે જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા વખતો વખત ઉચ્ચસ્તરીય રજૂઆતો કરવામાં આવી રહી છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રખડું શ્વાનના પ્રશ્ને કડક વલણ અખત્યાર કરી રેલવે સ્ટેશન અને એસ.ટી બસ સ્ટેશનમાં કુતરાઓના ત્રાસ દુર કરવા આદેશ કરવા છતાં રાજકોટના એસ.ટી બસ પોર્ટ માં તારીખ 24/12 ના સવારના છ કલાકે કુતરાના અડિંગા જોવા મળી રહ્યા છે. પ્લેટફોર્મ નંબર એક અને બે પર કુતરા આંટા ફેરા કરતા અને બસપોર્ટના મેદાનમાં પણ જોવા મળ્યા હતા. રાજકોટના એસ.ટી બસપોર્ટ માં અંદાજે 60000 થી વધુ મુસાફરોની અવર-જવર રહે છે. મુસાફરોએ ચોર, લુટારા, પોકેટમારો, લુખ્ખાગીરી કરનારા થી સાવધ રહેવાની તો સાથો સાથ હવે ડાઘીયા કુતરાં કરડી ન જાય એ બાબતે તકેદારી રાખવી પડશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક એસ.ટી બસ સ્ટેશનમાં ઢોર, કુતરા, ખુટીયાનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. જે અંગે એસ.ટીની વડી કચેરી એ ફોટોગ્રાફ સાથે લેખિત ફરિયાદો પણ કરવામાં આવી છે. કુતરાઓના સામ્રાજ્ય બદલ રાજકોટમાં સિનિયર ડેપો મેનેજર અને કોન્ટ્રાક્ટર પર સીસી ફૂટેજ મેળવી કડક પગલા ભરવા ફરિયાદો કરવામાં આવતા ગુજરાત એસ.ટી વડી કચેરીના તારીખ 02/08/2025 ના પત્ર ક્રમાંક એસ.ટીજી/સીઈ/કોકો/3367 થી મુખ્ય બાંધકામ ઇજનેર અમદાવાદ પોતાના પત્રમાં વિભાગીય નિયામકને ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નહીં અને અરજદારને પ્રત્યુતર પણ નહીં મળતા પુન: સ્મૃતિપત્ર દ્વારા ડાઘીયા કુતરાઓના ત્રાસ અને સીસી ફૂટેજ મેળવી ડેપો મેનેજર પણ કાર્યવાહી કરવાની વધુ એક વખત લેખિત માંગ રાજ્ય ના મુખ્યમંત્રી અને અમદાવાદ ની વડી કચેરી ખાતે કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *