જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે સાંજના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક રીક્ષા છકડાની પાછળ આવી રહેલી સૌપ્રથમ એક કાર ટકરાઈ હતી. ત્યારબાદ છોટાહાથી વાહન અન્ય એક કાર, ટ્રક સહિત કુલ 6 વાહનો એક પછી એક ટકરાઈ ગયા હતા. જોકે સદભાગ્ય આ અકસ્માતમાં માત્ર બે વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી. પોલીસ તંત્ર દોડતું થયું છે.
જામનગર લાલપુર બાયપાસ રોડ પર ગુરુવારે સાંજે 5.30 વાગ્યાના અરસામાં એક રીક્ષા છકડા પાછળ અમદાવાદ પાસીંગની કાર આવીને ટકરાઈ ગઈ હતી, અને રીક્ષા છકડો રોડ ની સાઈડ પરથી ડિવાઇડર પર ચડી ગયો હતો, તેની સાથે સાથે કાર પણ ડિવાઈડર પર ચડી ગઈ હતી.
દરમિયાન પાછળથી આવી રહેલો એક મીની ટેમ્પો, ટ્રક, છોટા હાથી અને કાર સહિત કુલ સાત વાહનો એક પછી એક ટકરાઈ ગયા હતા, અને તમામ વાહનોમાં નુકસાની થઈ હતી.
આ અકસ્માતમાં અમદાવાદ પાસિંગની કારમાં બેઠેલી બે વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી, જયારે બાકીના અન્ય વાહનોમાં કોઈને ઇજા થઈ હોવાના અહેવાલો મળ્યા નથી. આ બનાવની જાણ થવાથી જામનગરની ટ્રાફિક શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને થોડો સમય માટે જામ થઈ ગયેલા ટ્રાફિકને મુક્ત કરાવ્યો હતો.
