ગોંડલમાં દિન બદિન ટ્રાફિક સમસ્યા વધી રહી હોય રાહદારીઓ પરેશાન બન્યાં છે.ટ્રાફિક સમસ્યાને કારણે એક સમય નાં વિખ્યાત પહોળા રાજમાર્ગો હવે સાંકડા બની રહ્યા છે.ટ્રાફિકમાં ઓટોરીક્ષાઓ માથાનો દુખાવો સાબીત થઇ રહી છે. ઓટોરીક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ કરતાં હોય વાહનચાલકો અને રાહદારીઓ પરેશાની વેઠી રહ્યા છે.
માંડવીચોકથી કોલેજચોક સુધીનો મહત્વનો ગણાતો રાજમાર્ગ રાહદારીઓ થી સતત ધમધમતો હોય છે.
માંડવીચોક થી આગળ ટાઉનહોલ, જેકા ચોક સુધી વાહનો અને રાહદારીઓની ભારે ભીડ રહેતી હોય છે.આવી પરિસ્થિતિ વચ્ચે ટાઉનહોલ સામે સટલીયા રીક્ષા નાં ચાલકો ગુંદાળા ચોકડી કે આશાપુરા ચોકડી સહિતનાં પેસેન્જરો ભરવા રીક્ષાઓ દુકાનો આગળ ઉભી રાખી ટ્રાફિક અવરોધતા જોવા મળેછે.ટાઉનહોલ સામે પ્રોવિજન સ્ટોર, મોલ, બુકસ્ટોર સહીતની દુકાનો આવેલી છે.
અહી સતત ગ્રાહકોની ભીડ જામેલી હોવા છતાં ભીડની પરવાહ કર્યા વગર રીક્ષા ચાલકો મનફાવે ત્યાં રીક્ષાઓનાં પાર્કિંગ કરી દેતા હોય પસાર થતા વાહનો,ટુ વ્હીલર ઉપરાંત રાહદારીઓને પણ આ રીક્ષાઓ નડતરરૂૂપ બનતા અહી વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.ખાસ કરીને સાંજનાં સમયે ઓટોરીક્ષાઓને કારણે ટ્રાફિક સમસ્યા ત્રાસ દાયક બનતી હોય છે.
આશ્ર્ચર્ય તો એ વાતનું કે જેકા ચોકમાં આ સમયે ટીઆરબી જવાનો ટ્રાફિક વ્યવસ્થા માટે ઉભા હોય છે.
પરંતુ ટ્રાફિકને અવરોધરૂૂપ બનતી ઓટોરીક્ષાઓને દુર કરવાની કે ટ્રાફિક જામને ક્લિયર કરવાની કામગીરી કરતા નથી. પોલીસ તંત્ર પાસે ટ્રાફિક કામગીરી માત્ર કાગળ ઉપર જ બોલતી હોવાનું લોકો અનુભવી રહ્યા છે.
શહેરની ટ્રાફિક સમસ્યા અંગે પોલીસ સ્ટેશનમાં અનેક લોકદરબાર ભરાયા છે.અને રજુઆતો પણ થઇ હોવાં છતાં ટ્રાફિક સમસ્રાનો કોઇ નક્કર ઉકેલ આવતોના હોય લોકો ત્રસ્ત બન્યાં છે.
ભીડભાડ વાળી બજારોમાં બાહુબલીઓ પોતાનું ફોરવ્હિલ વાહન પાર્ક કરી ખરીદી કરવા ચાલ્યાં જતા હોવાથી રોડ પર પાર્ક કરેલુ તેમનું વાહન વાહનચાલકો કે રાહદારીઓને નડતરરૂૂપ બનવાથી ટ્રાફિક જામ થઇ જાય છે.ત્યારે હોર્ન ની ચિચિયારીઓ વધુ હેરાનગતી ઉભી કરે છે. પોલીસ દ્વારા ઓટોરીક્ષાઓનો ત્રાસ અને ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
