ક્રાઈમ બ્રાંચ કચેરી સામેનો મનપાનો રૂા.15 કરોડનો 3000 ચો.મી. પ્લોટ ખુલ્લો કરાવાયો
અસરગ્રસ્તોએ આવાસ ફાળવવા ઉગ્ર રજૂઆત કરી પથ્થરમારો કરતા વિજિલન્સે મામલો થાળે પાડ્યો
રાજકોટ શહેરમાં પ્રાઈમ લોકેશન ઉપર આવેલા મહાનગરપાલિકાના પ્લોટ ઉપર થઈ ગયેલા વર્ષો જૂના દબાણો દૂર કરવા માટે રાજ્ય સરકારના આદેશ બાદ કોર્પોરેશને કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત જામનગર રોડ ઉપર ક્રાઈમ બ્રાંચ કચેરી સામે કલેક્ટર વિભાગમાંથી વર્ષો પહેલા આપવામાં આવેલ પ્લોટ ઉપર થયેલા કાચા-પાકા 50 મકાનો ઉપર ગઈકાલે બુલ્ડોઝર ફેરવી દેવાતા અસરગ્રસ્તોએ હંગામો મચાવી પથ્થરમારો કરતા એક ઈજનેરને ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે. ત્યાર બાદ વીજીલન્સ વિભાગે લોકોને સમજાવી મામલો થાળો પાડ્યો હતો. ડીમોલીશનનીકામગીરી થતાં મનપાની રૂા. 15 કરોડની 3000 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી.
મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિબાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ અગાઉ આ જમીન કલેક્ટર હસ્તક હતી પરંતુ 1986માં રેકર્ડ તપાસવામાં આવતાં તેનો સર્વે નંબર મહાપાલિકાની હદનો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જ્યારે આ જમીન કલેક્ટર તંત્ર હસ્તક હતી ત્યારે પણ અહીંના લોકોને લગત મામલમતદાર દ્વારા નોટિસો આપવામાં આવી હતી. જો કે મહાપાલિકા તંત્રને આ જમીન સોંપવામાં આવી ત્યારે મામલતદાર દ્વારા અપાયેલી નોટિસની નકલો પણ અપાઈ હતી. આ પછી મહાપાલિકા દ્વારા પણ અનેક વખત નોટિસ આપવામાં હતી પરંતુ જમીન પરથી દબાણો દૂર થઈ રહ્યા ન હોય મહાપાલિકાનો કાફલો બૂલડોઝર સાથે ઉપરોક્ત જમીન પર ત્રાટક્યો હતો અને ડિમોલિશન પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી હતી. દરમિયાન આ વિસ્તારના રહીશોનું ટોળું એકઠુ થઈ જતાં. ભારે બબાલ થઈ હતી અને અમુક આવારા તત્વોએ પથ્થરમારો કરતા એક ઈજનેરને ઈજા પહોંચી હતી.
જેના લીધે વીજીલન્સ વિભાગે ભારે સમજાવટના અંતે મામલો થાળે પાડ્યો હતો. જામનગર રોડ ઉપર ક્રાઈમ બ્રાંચ કચેરી સામે મનપાના પ્લોટમાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને નોટીસ આપવામાં આવેલ ત્યારે આ લોકો મહાપાલિકા કચેરીએ રજૂઆત કરવા માટે પણ આવ્યું હતું. તેમની માંગણી હતી કે જમીનના બદલામાં તેમને આવાસની ફાળવણી કરવામાં આવે અને આવાસના બદલામાં તેઓ રકમ ભરપાઈ કરવા માટે પણ તૈયાર છે પરંતુ આવાસની ફાળવણી માટે સમય લાગી જાય તેમ હોય તેની રાહ જોવી શક્ય ન્હોતી. આથી જગ્યાખાલી કરાવવા માટે મનપાએ ડિમોલેશનની કામગીરી હાથ ધરી પ્લોટ ખુલ્લો કરાવ્યો હતો.
50થી વધુ પ્લોટના દબાણો હટાવવાનો તખ્તો તૈયાર
રાજકોટ શહેરમાં ટીપી સ્કીમ મંજુર થયા બાદ મહાનગરપાલિકાને અલગ અલગ હેતુ માટે મળેલા પ્લોટ ઉપર કોઈ જાતનો પ્રોજેક્ટ શરૂ ન થતાં અનેક પ્લોટ ઉપર વર્ષોથી ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. ત્યારે રાજ્ય સરકારની સુચના બાદ મહાપાલિકાએ આ પ્રકારના દબાણયુક્ત પ્લોટ ખાલી કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જે અંતર્ગત આજે જામનગર રોડ ઉપર 15 કરોડનો પ્લોટ ખાલી કરાવાયો હતો. અને આગામી દિવસોમાં 50થી વધુ આ પ્રકારના પ્લોટ ખાલી કરાવવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.