ચાર દિવાલમાંથી બહાર નીકળી ‘લોકો શું કહેશે?’ની પરવા કર્યા વિના કરે છે આગેકૂચ

ધો.11 સુધી ભણેલી રામધરી ગામના ફેમિલાબેન હુનાણીએ પોતાના સંઘર્ષને શક્તિ બનાવી 18 વર્ષથી મહિલા સ્વરાજ મંચ સાથે જોડાઈ મહિલાઓના હક્ક, સુરક્ષા અને ન્યાય માટે છે…

ધો.11 સુધી ભણેલી રામધરી ગામના ફેમિલાબેન હુનાણીએ પોતાના સંઘર્ષને શક્તિ બનાવી 18 વર્ષથી મહિલા સ્વરાજ મંચ સાથે જોડાઈ મહિલાઓના હક્ક, સુરક્ષા અને ન્યાય માટે છે કાર્યરત

દીકરીના લગ્ન થાય અને સાસરામાં કોઈ મુશ્કેલી ઊભી થાય ત્યારે માતા-પિતાના ઘરે પાછા ફરવું માત્ર એક નિર્ણય નથી હોતો, ખાસ કરીને નાના ગામમાં. દીકરી સાથે અનેક સવાલો, લોકોની વાતો અને સમાજની નજર પણ ઘેર પાછી આવે છે. આવી સ્થિતિમાં માત્ર 11 ધોરણ સુધી ભણેલી કોઈ સ્ત્રી પોતાના પગ પર ઊભી થાય, લોકોની વાતોની પરવા કર્યા વિના આગળ વધે અને એક દિવસ પોતાના જેવી અનેક બહેનોના હક્ક અને ન્યાય માટે લડવાનું શરૂ કરે ત્યારે તેને માત્ર મહિલા સશક્તિકરણ શબ્દ પણ નાનો લાગે.આ વાત છે રામધરી ગામના ફેમિલાબેન હુનાણીના.

જીવનમાં આવેલા સંઘર્ષોએ ફેમિલાબેનને તોડ્યા નહીં, પરંતુ વધુ મજબૂત બનાવ્યાં. જે મુશ્કેલીઓ તેમણે પોતે સહન કરી હતી, એ જ મુશ્કેલીઓ અન્ય કોઈ બહેનને ન સહન કરવી પડે તે માટે તેમણે કામ કરવાનો સંકલ્પ કર્યો. આજે તેઓ માત્ર મહિલાઓના પ્રશ્નો સાંભળતા નથી, પરંતુ તેમના ઉકેલ માટે કોર્ટથી લઈને ગ્રામ પંચાયત સુધી સક્રિય રીતે કામ કરે છે.

એક સમય એવો હતો જ્યારે પોતાના પ્રશ્ન માટે કોર્ટ કે પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢતાં પણ ફેમિલાબેન ગભરાતાં હતાં. આજે સ્થિતિ એવી છે કે અનેક બહેનોના પ્રશ્નોમાં તેઓ કોર્ટની કામગીરીમાં મદદરૂૂપ બને છે અને કોર્ટના મીડિયેશન સેન્ટરમાં પણ બેસીને મહિલાઓના પ્રશ્નોના ઉકેલ માટે કામગીરી કરે છે.
લોકો કહેતાઆ જુઓ, હાથમાં થેલો લઈને નીકળી જાય છે…

નાના ગામમાંથી બહાર નીકળીને સંસ્થામાં કામ કરવું અને અન્ય બહેનોને પણ આગળ લાવવાનું કામ સરળ નહોતું. શરૂૂઆતના દિવસો યાદ કરતાં ફેમિલાબેન કહે છે, મને મારા પરિવારનો ખૂબ સપોર્ટ હતો એટલે તકલીફ થોડી ઓછી હતી. છતાં જ્યારે બહાર નીકળીએ ત્યારે લોકો વાતો કરતા. ‘આ જુઓ, હાથમાં થેલો લઈને નીકળી જાય છે’ એવું પણ કહેતા. મહિલા સ્વરાજ મંચની ટીમે પણ મને ખૂબ હિંમત અને ટેકો આપ્યો. એ સમયે મેં મારા કામ અને મારા વર્તનથી લોકોના મોં બંધ કર્યાં.તેમણે પોતાના અનુભવને જ પોતાની તાકાત બનાવી. તેઓ કહે છે કે, મેં જે સહન કર્યું તે બીજી કોઈ બહેનને ન કરવું પડે, એ માટે મારે કંઈક કરવું હતું.

આ જ વિચાર વચ્ચે મહિલા સ્વરાજ મંચના કાર્યકરો તેમના ગામમાં આવ્યા. તેઓ ગામની મહિલાઓને મળતા અને તેમના પ્રશ્નો સમજવાનો પ્રયાસ કરતા હતા. આ દરમિયાન ફેમિલાબેનનો તેમની સાથે પરિચય થયો અને તેમને મીટિંગમાં આવવા માટે આમંત્રણ મળ્યું.

જ્ઞાતિ અને સમાજના બંધનોમાંથી બહાર નીકળવું સરળ નહોતું પરંતુ તેમના પિતાએ તેમને મહિલા સ્વરાજ મંચના સંગઠન સાથે જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું. ત્યાર બાદ ધીમે ધીમે તેમણે માહિતી મેળવવાનું અને કામ શીખવાનું શરૂૂ કર્યું.

આ સફરને આજે 18 વર્ષ થઈ ગયાં છે
હાલ ફેમિલાબેન મહિલા સ્વરાજ મંચના મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યાં છે. ગયા વર્ષની ચૂંટણીમાં તેઓ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને આજે પણ ગ્રામ પંચાયતમાં સક્રિય રીતે કામગીરી કરી રહ્યાં છે.

ગ્રામસભાથી લઈને મહિલાઓની સુરક્ષા સુધી
સંગઠન સાથે જોડાયા બાદ ફેમિલાબેન ગ્રામ વિકાસના વિવિધ કામોમાં સક્રિય બન્યાં. ગામની મહિલાઓ ગ્રામસભામાં જાય ત્યારે તેમના પ્રશ્નોની ચર્ચા થાય અને મહિલાઓના મુદ્દા ગ્રામસભા સુધી પહોંચે તે માટે તેઓ કામગીરી કરે છે.
દરેક ગામમાં સંગઠન બનાવવામાં આવ્યું છે. અલગ-અલગ વોર્ડની બહેનો ભેગી થઈ પોતાના વિસ્તારના પ્રશ્નો સાંભળે છે અને તેને લેખિત સ્વરૂૂપે ગ્રામસભામાં રજૂ કરે છે.
પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલય, ગટર વ્યવસ્થા જેવા મૂળભૂત પ્રશ્નોથી લઈને શેરીઓમાં સફાઈનું કામ કરતા કર્મચારીઓને જરૂૂરી કીટ અપાવવાની કામગીરી સુધી તેઓ સક્રિય રહ્યાં છે. મહિલાઓના નામે આવાસ યોજનાના પ્લોટ મળે તે માટે પણ તેઓ પ્રયત્ન કરે છે.
મહિલાઓ સુરક્ષિત રીતે બહાર નીકળી શકે તે માટે વોર્ડ પ્રમાણે થાંભલા અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરાવવા માટે પણ તેમણે કામગીરી કરી છે.

ગામમાં જ મળે ઘરેલુ પ્રશ્નોનો ઉકેલ
ગ્રામ પંચાયતની વિવિધ સમિતિઓમાં પણ મહિલાઓની ભાગીદારી વધે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. મહિલા સુરક્ષા સમિતિમાં 11 બહેનો સક્રિય રીતે કામગીરી કરે છે.
ગામના નાના-મોટા ઘરેલુ ઝઘડાઓનું ગામમાં જ માનવીય અભિગમથી નિરાકરણ આવે અને મામલો આગળ ન વધે તે માટે સમિતિની બેઠક યોજાય છે. મહિલાઓને તેમના અધિકારો અને કાયદા અંગે પણ માહિતી આપવામાં આવે છે.
મહિલા સ્વરાજ મંચ દ્વારા આ સમિતિની બહેનોને તાલીમ આપવામાં આવી છે. હવે તેઓ દર ત્રણ મહિને બેઠક યોજીને મહિલાઓના પ્રશ્નો સાંભળે છે અને શક્ય હોય ત્યાં સુધી નાના ઘરેલુ વિવાદોનું સમાધાન કરાવવાનો પ્રયાસ કરે છે.

ફેમિલાબેન માને છે કે ગામડાની મહિલાઓની સમસ્યાઓ શહેરથી અલગ હોય છે. નાના વિસ્તારમાં લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. પરંતુ આ નાની લાગતી સમસ્યાઓને સમયસર સમજવામાં આવે અને તેના ઉકેલ માટે વ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે તો આખા ગામના જીવનમાં મોટો બદલાવ લાવી શકાય છે.

અડધી રાતે પણ મદદ માટે દોડી જાય છે
ચાર દિવાલોમાંથી બહાર નીકળી પોતાના જીવનમાં સંઘર્ષ કરનાર ફેમિલાબેન આજે અન્ય મહિલાઓ માટે સતત ઉપલબ્ધ રહે છે. કોઈ બહેનને મુશ્કેલી હોય તો જરૂૂર પડ્યે અડધી રાતે પણ મદદ માટે દોડી જવાની તેમની તૈયારી હોય છે.
ગામમાં સામાજિક સુરક્ષા સુનિશ્ર્ચિત થાય તે માટે તેઓ કામ કરે છે. વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શન જેવી યોજનાઓ મેળવવામાં મહિલાઓને મુશ્કેલી ન પડે, ડોક્યુમેન્ટની સમસ્યા હોય કે સરકારી યોજનાની માહિતીનો અભાવ હોય આવા અનેક પ્રશ્નો માટે તેઓ લોક અધિકાર કેન્દ્ર ચલાવે છે.
દર સોમવારે અહીં વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવે છે, જ્યારે દર ગુરુવારે ન્યાય સમિતિ બેસે છે. તેમાં મહિલાઓના ઘરેલુ અને સામાજિક પ્રશ્નો સાંભળીને શક્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

હિંસા સહન ન કરો, તમારા હક્ક માટે આગળ આવો
ફેમિલાબેનનો મહિલાઓ માટેનો સંદેશ સ્પષ્ટ છે હિંસા સહન ન કરો અને પોતાના હક્ક માટે આગળ આવો.
તેઓ કહે છે કે જો બહેનો કાયદાનો ઉપયોગ નહીં કરે તો સમાજ હજુ એટલો સુધર્યો નથી કે મહિલાઓને આપોઆપ સંપૂર્ણ સ્વતંત્રતા આપી દે. તેથી મહિલાઓએ પોતાના હક્ક અને સ્વતંત્રતા માટે પોતે જ આગળ આવવું પડશે.
તેમનું માનવું છે કે ગ્રામ પંચાયતમાં પણ મહિલાઓ માત્ર ચૂંટાઈને આવે એટલું પૂરતું નથી; તેમણે સક્રિય રીતે કામગીરીમાં ભાગ લેવો જોઈએ અને પોતાના ગામના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.
પોતાના જીવનના સંઘર્ષને અન્ય બહેનો માટેની શક્તિમાં પરિવર્તિત કરનાર ફેમિલાબેન આજે પણ અટક્યાં નથી. એક સમયના લોકોના પ્રશ્નો અને ટીકાઓથી ગભરાતી આ મહિલા આજે અનેક બહેનોના પ્રશ્નો લઈને નિર્ભયતાથી આગળ વધે છે.
હવે તેમનું આગામી સ્વપ્ન છે સરપંચ બનીને પોતાના ગામને વધુ વિકાસ કાર્યોની ભેટ આપવાનું.
પોતે સહન કરેલી તકલીફો બીજી કોઈ બહેનના જીવનમાં ન આવે, એ માટે સતત પ્રયત્નશીલ ફેમિલાબેનની સફર ખરેખર એ વાત સાબિત કરે છે કે સંઘર્ષ માણસને રોકતો નથી, જો એ સંઘર્ષને પોતાની શક્તિ બનાવવાનું શીખી જાય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *