ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડઝ વર્ગ-3 કર્મચારી મંડળ, રાજકોટ જિલ્લા દ્વારા જમીન દફતર ખાતાના કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો અંગે વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક નિરાકરણ ન મળતાં આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. રાજ્ય મંડળના આદેશ અનુસાર રાજકોટ જિલ્લા મંડળે ગાંધીચીંધ્યા માર્ગે તા. 11 સપ્ટેમ્બરથી પેનડાઉન હડતાળ શરૂૂ કરી છે. હવે આગામી સોમવાર તા. 21 સપ્ટેમ્બરથી રાજ્યના તમામ કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર જશે.
મંડળના જણાવ્યા અનુસાર જમીન દફતર ખાતાના વર્ગ-3 કર્મચારીઓની મુખ્ય માંગ ગ્રેડ પે અને પગારધોરણમાં સુધારો કરવાની છે. એક તરફ પગારધોરણ રૂૂ. 26,200-92,300 (મેટ્રિક્સ લેવલ-5, ગ્રેડ પે-2,800)માંથી વધારીને રૂૂ. 39,900-1,26,600 (મેટ્રિક્સ લેવલ-7, ગ્રેડ પે-4,600) કરવાની માંગ છે. બીજી તરફ પગારધોરણ રૂૂ. 25,500-81,100 (મેટ્રિક્સ લેવલ-4, ગ્રેડ પે-2,400)માંથી સુધારીને રૂૂ. 26,200-92,300 (મેટ્રિક્સ લેવલ-5, ગ્રેડ પે-2,800) કરવાની માંગ મૂકવામાં આવી છે. આ બંને માંગણીઓ વારંવાર રજૂ કરવા છતાં સરકાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ અને સંતોષકારક જવાબ મળ્યો નથી.
તા. 19 સપ્ટેમ્બરે રાજ્યના તમામ કર્મચારીઓ માસ સી.એલ. (માસ કેજ્યુઅલ લીવ) પર જશે. ત્યારબાદ તા. 21 સપ્ટેમ્બરથી અનિશ્ચિત મુદતની હડતાળ શરૂૂ થશે. કર્મચારી મંડળે આ અંગે જિલ્લા કલેક્ટર તેમજ નાયબ નિયામક, જમીન દફતર, રાજકોટને લેખિત જાણ પણ કરી દીધી છે.
મંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું કે જમીન દફતર ખાતાના કર્મચારીઓ વર્ષોથી ગ્રેડ પે અને પગારધોરણની અસમાનતા સામે રજૂઆત કરી રહ્યા છે. અન્ય વિભાગો સાથે સરખામણી કરતાં આ કર્મચારીઓને યોગ્ય પગારધોરણ ન મળતાં નારાજગી વધી છે. પેનડાઉન હડતાળ દરમિયાન કચેરીઓમાં કામકાજ અટકી ગયું છે અને જમીન સંબંધિત કામો પર અસર પડી રહી છે.
મંડળે ચેતવણી આપી છે કે આગામી સમયમાં જો સરકાર તરફથી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. કર્મચારીઓની માંગ છે કે સરકાર તાત્કાલિક બેઠક બોલાવીને ગ્રેડ પે સુધારણાની બાબતે નિર્ણય લે, નહીં તો રાજ્યવ્યાપી હડતાળથી જમીન દફતરની કામગીરી પર ગંભીર અસર પડશે.
હાલ રાજકોટમાં પેનડાઉન હડતાળ ચાલુ છે અને કર્મચારીઓ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. સોમવારે અનિશ્ચિત હડતાળ શરૂૂ થતાં પહેલાં સરકાર કોઈ પગલાં ભરે તે તરફ હવે બધાની નજર છે.
