લોધિકા તાલુકાના ઢોલરા ગામે એક અત્યંત દુ:ખદ અને કરૂૂણ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 66 વર્ષીય મહેશભાઈ જીવરાજભાઈ ધામેચા પોતાના ઘરેથી દૂધ લેવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન ગામમાં જ એક સ્થળે ઝેરી સાપ નીકળ્યો હોવાની જાણ થતાં લોકો એકઠા થયા હતા. મહેશભાઈ અગાઉ પણ અનેક વાર સાપ પકડી ચૂક્યા હોવાથી અને સાપ રેસ્ક્યૂ કરવાનો અનુભવ ધરાવતા હોવાથી તેઓ ત્યાં પહોંચ્યા હતા. સાપ પકડવાની તજવીજ દરમિયાન અચાનક સાપે તેમના જમણા હાથે ડંખ મારી દીધો હતો.
સર્પદંશ થતાં જ મહેશભાઈની તબિયત ઝડપથી લથડી હતી અને તેઓ સ્થળ પર જ બેભાન થઈ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને તેમને તુરંત જ ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઝેરની અસર વધુ હોવાથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું કમનસીબ મોત નીપજ્યું હતું.
મૃતક મહેશભાઈ ધામેચા વ્યવસાયે મિસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ચાર ભાઈઓ અને ત્રણ બહેનોના મોટા પરિવારમાં સૌથી નાના હતા. અગાઉ પણ ગામલોકોને સાપના ભયથી ઉગારનાર અનુભવી મહેશભાઈનું આ રીતે અચાનક સાપ કરડવાથી મોત થતાં ધામેચા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ બનાવથી સમગ્ર ઢોલરા ગામમાં ભારે અરેરાટી અને ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
