રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત ત્રણ દિવસીય ’ડીજીપી કપ હેન્ડબોલ સ્પર્ધા 2026-27’ નું સફળતાપૂર્વક સમાપન થયું છે. તારીખ 22 ઓગસ્ટથી 24 ઓગસ્ટ 2026 દરમિયાન રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટરના હેન્ડબોલ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ રાજ્યકક્ષાની હરીફાઈમાં પુરુષ વિભાગમાં હથિયારી એકમોની ટીમે અને મહિલા વિભાગમાં અમદાવાદ શહેરની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનશિપની ટ્રોફી પોતાના નામે કરી હતી.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકના સીધા માર્ગદર્શન હેઠળ આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દળમાં સેવા બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓમાં શારીરિક ફિટનેસ, ચુસ્ત શિસ્ત તેમજ ટીમ સ્પિરિટની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી આ સ્પર્ધા યોજાઈ હતી. આ હરીફાઈમાં સમગ્ર ગુજરાત રાજ્ય પોલીસ દળમાંથી પુરુષોની 08 અને મહિલાઓની 06 મળીને કુલ 14 ટીમોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ટૂર્નામેન્ટના આખરી દિવસે પુરુષ વિભાગની ફાઇનલ મેચ હથિયારી એકમો અને ગાંધીનગર રેન્જ વચ્ચે રમાઈ હતી. અત્યંત રોમાંચક રહેલી આ ફાઇનલ મેચમાં હથિયારી એકમોએ 18-14 ગોલના તફાવતથી શાનદાર વિજય મેળવી ચેમ્પિયન પદ પ્રાપ્ત કર્યું હતું, જ્યારે ગાંધીનગર રેન્જ રનર્સ અપ રહી હતી.
બનાસકાંઠા રેન્જે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. હથિયારી એકમોના રહીમ ઘાચી તેમના સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાનના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુરુષ વિભાગમાં ’પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.બીજી તરફ, મહિલા વિભાગની ફાઇનલ મેચ અમદાવાદ શહેર અને રાજકોટ રેન્જ વચ્ચે ખેલાઈ હતી. જેમાં અમદાવાદ શહેરની ટીમે 12-09 ગોલથી વિજય મેળવીને ચેમ્પિયનશિપ ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.
આ વિભાગમાં રાજકોટ રેન્જ રનર્સ અપ જ્યારે ગાંધીનગર રેન્જ તૃતિય સ્થાને રહી હતી. અમદાવાદ શહેરની દિવ્યાબા પરમારને તેમની ઉત્કૃષ્ટ રમત બદલ મહિલા વિભાગમાં ’પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ જાહેર કરવામાં આવ્યા હતા.
સ્પર્ધાના સમાપન સમારોહ માં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડીસીપી ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-01 હેતલ પટેલ, તમામ એસીપી તથા પી.આઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકે પોતાના ઉદ્બોધનમાં તમામ ખેલાડીઓની મહેનત અને ખેલદિલીપૂર્વકની રમતના વખાણ કર્યા હતા.
તેમણે વિજેતા ટીમોને અભિનંદન પાઠવતા આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં ગુજરાત પોલીસના ખેલાડીઓ ’ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ્સ’ જેવી રાષ્ટ્રીય કક્ષાની હરીફાઈઓમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કરશે.
આ સમગ્ર ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે નોડલ અધિકારી અને એસીપી એમ.આઈ. પઠાણ તથા રાજકોટ શહેર પોલીસની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
