મહિલા અનામત માટે કાલથી સંસદનું વિશેષ સત્ર

ભારતનો રાજકીય ઇતિહાસ બદલવા તૈયારી, લોકસભાની બેઠકો 850 થશે કેન્દ્ર સરકાર આવતીકાલે તા.16 એપ્રિલથી ત્રણ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે છે. જેમાં મુખ્યત્વે બંધારણ…

ભારતનો રાજકીય ઇતિહાસ બદલવા તૈયારી, લોકસભાની બેઠકો 850 થશે

કેન્દ્ર સરકાર આવતીકાલે તા.16 એપ્રિલથી ત્રણ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવે છે. જેમાં મુખ્યત્વે બંધારણ સુધારણા વિધેયક રજુ કરવામાં આવશે. જેની અંદર મહીલા અનામત લાગુ કરવા અને લોકસભાની બેઠકો વધારવાનો સમાવેશ થાય છે. ભારતીય લોકશાહીમાં રાજકીય ક્ષિતિજે મહીલાઓની 33 ટકા જેટલી સક્રિય ભાગીદારીને પ્રવેશ આપતું અને એની અમલવારી ઝડપી બનાવતું આ વિશેશસત્ર ભારતના સામાજિક ક્ષેત્રે પણ ક્રાંતિકારી પુરવાર થશે અને મહીલા નેતૃત્વનો સર્વવ્યાપક કાનુની અભ્યુદય નિશ્ચિત થશે.

દેશના રાજકારણમાં એક બહુ મોટો અને ઐતિહાસિક બદલાવ આવવા જઈ રહ્યો છે. ’નારી શક્તિ વંદન કાયદા’ (મહિલા અનામત) ને જમીન પર ઉતારવા માટે કેન્દ્ર સરકારે આગામી 16 થી 18 એપ્રિલ સુધી સંસદનું એક ખાસ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં સરકાર ત્રણ અતિ મહત્વના બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલો પાસ થયા પછી, 2029 ની લોકસભા ચૂંટણીથી સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત થઈ જશે.

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ લોકસભામાં ’બંધારણ (131મો સુધારો) બિલ, 2026’ રજૂ કરશે. અત્યારે દેશની વસ્તી ઘણી વધી ગઈ છે, શહેરીકરણ વધ્યું છે અને અલગ-અલગ રાજ્યો વચ્ચે વસ્તીનું સંતુલન બદલાયું છે. આ બધું ધ્યાનમાં રાખીને દેશના દરેક વિસ્તારને યોગ્ય અને સંતુલિત પ્રતિનિધિત્વ આપવા માટે આ મોટું કદમ ઉઠાવવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધી લોકસભાની બેઠકો વર્ષ 1971 અને 2001 ની વસ્તી ગણતરીના આધારે જ ચાલી રહી હતી, જેને 2026 પછી આવનારી પહેલી વસ્તી ગણતરી સુધી સ્થગિત રાખવામાં આવી હતી. પણ હવે આ નવા બિલમાં મોટો ફેરફાર સૂચવવામાં આવ્યો છે. લોકસભાની કુલ બેઠકોની સંખ્યા વધારીને વધુમાં વધુ 850 કરવામાં આવશે. આમાંથી 815 સભ્યો સીધી ચૂંટણી દ્વારા અલગ-અલગ રાજ્યોમાંથી ચૂંટાઈને આવશે. જ્યારે 35 સભ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવશે. મહિલાઓ માટે 33% અનામત (નારી શક્તિ વંદન), બિલનો મુખ્ય હેતુ 2023 માં પાસ થયેલા 106મા બંધારણીય સુધારા એટલે કે ’નારી શક્તિ વંદન અધિનિયમ’ નો અમલ ઝડપી બનાવવાનો છે.

લોકસભા, તમામ રાજ્યોની વિધાનસભાઓ અને દિલ્હી, પુડુચેરી તેમજ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાઓમાં 1/3 (33 ટકા) બેઠકો મહિલાઓ માટે રિઝર્વ રહેશે. આ અનામત નવું ’સીમાંકન’ (બેઠકોની ફાળવણી અને હદ નક્કી કરવાની પ્રક્રિયા) પૂરું થયા પછી જ અમલમાં આવશે.

દરેક ચૂંટણીમાં આ અનામત બેઠકો રોટેશન મુજબ બદલાતી રહેશે. હાલ પૂરતો આ મહિલા અનામતનો સમયગાળો 15 વર્ષ નક્કી કરાયો છે, જેને સંસદ ધારે તો ભવિષ્યમાં આગળ વધારી શકશે.
હવે બેઠકો ફાળવવાનું અને મતવિસ્તારોની નવી હદ નક્કી કરવાનું કામ સ્પષ્ટપણે ’સીમાંકન પંચ’ને સોંપવામાં આવશે. 2026 પછી નવી વસ્તી ગણતરી થાય ત્યાં સુધી રાહ જોવાની શરત હવે હટાવી દેવામાં આવી છે, જેનાથી પ્રક્રિયા ઝડપી અને વધુ અસરકારક બનશે.

અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડ જેવા પૂર્વોત્તર રાજ્યોની ખાસ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ત્યાં અનુસૂચિત જનજાતિ (જઝ) નું પ્રતિનિધિત્વ બરાબર જળવાઈ રહે તે માટે બિલમાં વિશેષ જોગવાઈઓ કરાઈ છે. ત્રિપુરામાં પણ અત્યારનું સંતુલન જાળવી રાખવા માટે ખાસ નિયમો બનાવાયા છે.

સંસદના ખાસ સત્રમાં રજૂ થનારા 3 મોટા બિલ

સરકાર આ સત્રમાં મુખ્યત્વે ત્રણ બિલ લઈને આવી રહી છે:
(1) બંધારણીય સુધારો 131: લોકસભા અને વિધાનસભાની બેઠકોની સંખ્યા વધારવા માટે.
(2) સીમાંકન બિલ 2026: મતવિસ્તારોની વહેંચણી માટે નવા સીમાંકન પંચની સ્થાપના કરવા.
(3) કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ 2026: કેન્દ્રશાસિત પ્રદેશોને લગતા કાયદાઓમાં જરૂૂરી ફેરફારો કરવા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *