ક્રૂડ ફરી 100 ડોલરની નીચે સરકયું
ભારતીય શેરબજાર ફરી પોઝિટિવ સંકેતોને લઈને ભારે ઉછાળા સાથે માર્કેટની શરૂૂઆત થઈ છે. સવારના સત્રમાં જ બજારમાં જોરદાર લેવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચાઈ સ્પર્શી છે. બજારમાં સવારથી જ પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બેન્કિંગ, આઈટી અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં ભારે તેજીને કારણે ઈન્ડેક્સમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
સેન્સેક્સમાં આજે બજાર ખુલતાં જ 1400થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જોકે પછીથી તેમાં થોડોક ઘટાડો નોંધાયો હતો. જોકે સમાચાર લખાવા સુધીમાં સેન્સેક્સમાં આજે 1300 પોઇન્ટ નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
જ્યારે આજે નિફ્ટી પણ બજાર ખુલતાં જ 438 પોઇન્ટ ઉછળ્યો હતો. જોકે પછીથી થોડોક ઘટાડો આવતા નિફ્ટી આજે મજબૂત સ્થિતિમાં જળવાઈ રહ્યો હતો.હાલ નિફ્ટી 390 પોઇન્ટ ઉપર જોવા મળે છે.
પ્રતિ બેરલ બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ 3 ટકા ગગડીને 96.41 ડોલર પર આવી ગયો છે. જ્યારે પ્રતિ બેરલ WTI ક્રૂડ ઓઈલનો ભાવમાં લગભગ 6 ટકા ગગડીને 93.90 ડોલર પર કારોબાર કરી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં આ ધરખમ ઘટાડો માર્કેટ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.
આઈએમએફએ કહ્યું છે કે, ભારતનો GDP નાણાંકીય વર્ષ 2026 દરમિયાન 6.5 ટકાના દરે વધશે. સંસ્થાએ વિકાસ દરના અંદાજમાં 30 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને ભારત વિશ્વમાં સૌથી ઝડપી વિકાસ કરતું અર્થતંત્ર ગણાવ્યું છે.
સૌથી વધુ મહત્ત્વની વાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પ્રત્યે સકારાત્મક વલણ અપનાવ્યું છે અને તેમણે આગામી બેથી ત્રણ દિવસમાં ઈસ્લામાબાદમાં ફરી મંત્રણા યોજવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા નાકાબંધી છતાં ઈરાનના હોર્મુઝ જળમાર્ગમાંથી ક્રૂડ ઓઈલ ભરેલા અનેક જહાજો પસાર થઈ રહ્યા છે. તેથી આ વલણ ક્રૂડ ઓઈલ અને શેરમાર્કેટ માટે સારા સંકેત છે.
સોના-ચાંદીમાં તેજી, બે દિવસમાં ચાંદી 14000 વધી
જિયો પોલિટિકલ સિચ્યુએશનમાં સુધારો આવતા સોના ચાંદીમાં પણ ચમક જોવા મળી હતી. જો કે આજે સોનું અને ચાંદી થોડ ઘટ્યા છે. પણ બે દિવસમાં ચાંદીમાં 14000 નો વધારો નોંધાયો છે. વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2,53600 જોવા મળી રહ્યો છે. જ્યારે રાજકોટની બજારમાં ચાંદીનો ભાવ ₹2,62,300 થઈ ગયા છે. સોનાનો ભાવ વાયદા બજારમાં 154800 અને હાજર ભાવ 158300 પર પહોંચ્યો છે.
