અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી કોર્ટમાં સ્વીકારવામાં આવ્યા બાદ મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ વિવાદ પર પોતાના વિચારો વ્યક્ત કરતા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવે જજોને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. યાદવે કહ્યું કે નાના જજ દેશને આગ લગાડવા માંગે છે. તાજેતરમાં, તેમણે નિવૃત્ત ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ વિશે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને બાદમાં યુ-ટર્ન લીધો હતો.
અજમેર શરીફ મુદ્દે વાત કરતા સપાના નેતા રામ ગોપાલ યાદવે કહ્યું, મેં આ પહેલા પણ કહ્યું હતું, આવા નાના જજ બેઠા છે જે આ દેશને આગ લગાડવા માંગે છે. તેનો કોઈ અર્થ નથી. આપણા વડાપ્રધાન પોતે અજમેર શરીફમાં ચાદર મોકલે છે. ત્યાં દેશ અને દુનિયામાંથી લોકો આવે છે. તેને વિવાદોમાં સંડોવવો એ ખૂબ જ ઘૃણાજનક અને ક્ષુદ્ર માનસિકતાની નિશાની છે. ભાજપને ટેકો આપનારા લોકો સત્તામાં રહેવા માટે કંઈ પણ કરી શકે છે, દેશમાં આગ લાગે તો તેમને કોઈ વાંધો નથી.
રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો સ્થાનિક કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે બુધવારે સુનાવણી માટે અરજી સ્વીકારી હતી અને ત્રણેય પક્ષકારોને નોટિસ પાઠવી હતી.
