મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ સાથે ધરપકડ

ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એટીએસએ નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી છે. હરિકેશનો પાસપોર્ટ ઇડીના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં…

ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એટીએસએ નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી છે. હરિકેશનો પાસપોર્ટ ઇડીના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં જમા હોવા છતા તેણે યુપીમાંથી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. નકલી પાસપોર્ટના આધારે આરોપી અલગ-અલગ દેશભરમાં ફરવા પણ ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ગુજરાત એ.ટી.એસ.ના પી.આઈ જે.પી. રોજીયાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં 10, ઉર્મી બંગ્લોઝ, મીરાપાર્ક સોસાયટી પાસે, કેમ્પ રોડ રહેતો મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર હરીકેશ પ્રણવકુમાર પટેલ મૂળ ભારતીય પાસપોર્ટ ધરાવે છે. કોઈ ગુનાહિત પ્રકરણ અન્વયે તેણે આ પાસપોર્ટ તપાસ અધિકારી અથવા કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યો હતો. ત્યારબાદ તેણે ઉત્તર પ્રદેશના આગ્રા 37/526, ચન્દ્રનગર, નાગલાપડી, દયાલબાગ ખાતેના ખોટા સરનામે બીજો પાસપોર્ટ મેળવી લીધો હતો અને તેના આધારે નેપાળ તથા અન્ય દેશોમાં ગેરકાયદેસર અવરજવર શરૂૂ કરી હતી. જેથી એટીએસની ટીમે સાયન્સ સિટી પાસેથી હરિકેશ પટેલની ધરકકડ કરી હતી.

તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, હરિકેશ 2023ના ઈડીના મની લોન્ડ્રીંગ કેસમાં સંડોવાયેલો હતો, જેથી આરોપીનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીને આગોતરા જામીન માટે અરજી કરતા જામીન મળી ગયા હતા, પરંતુ બાદમાં ઇડી એ જામીન રદ કરાવ્યા હતા. જામીન રદ થતાં ધરપકડથી બચવા અને વિદેશ ભાગી જવાના ઈરાદાથી ગુજરાતનો પાસપોર્ટ હોવા છતાં નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. જેના આધારે તે ભૂતાન અને નેપાળથી આરોપી બેંગકોક,દુબઇ,સિંગાપોર, સહિતના દેશમાં ફરવા જતો હતો.

આરોપી લાંબા સમય સુધી દુબઈમાં પણ રોકાયો હતો. આરોપી ફરીથી નાણાકીય ફ્રોડ કરવાની ફિરાકમાં જ હતો તે અગાઉ એટીએસએ આરોપીની ધરપકડ કરી છે. આ અંગે એટીએસ દ્વારા ઇડીને પણ જાણ કરવામાં આવી છે. હરિકેશ પટેલ વિરુદ્ધ અગાઉ નારણપુરા અને ક્રાઈમ બ્રાન્ચના છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ ચૂકી છે, જેમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીનું શાહીબાગ અને સાયન્સ સિટીમાં મકાન આવેલું છે. આરોપીના નામે ઘણી કંપનીઓ રજીસ્ટર્ડ છે, જેમાંથી કેટલીક ખોટી કંપનીઓ પણ રજીસ્ટર્ડ છે જેના નામે ફ્રોડ કરવામાં આવતું હતું. આરોપીના મ્યુલ એકાઉન્ટ પણ હતા જેની તપાસ ચાલી રહી છે.

દિલ્હીના એજન્ટે રૂા.25 લાખમાં હરિકેશ પટેલને બીજો પાસપોર્ટ બનાવી આપ્યો
મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર હરિકેશ પટેલે નકલી પાસપોર્ટ બનાવવા માટે દુબઈના મિત્ર દ્વારા દિલ્હીના એજન્ટનો સંપર્ક કર્યો હતો. હરિકેશ પટેલે રૂૂ. 25 લાખ એજન્ટને આપીને ઉત્તર પ્રદેશના આગ્રા 37/526, ચન્દ્રનગર, નાગલાપડી, દયાલબાગ ખાતેના ખોટા સરનામે ભાડે રહેતો હોવાનો ભાડા કરાર કર્યો હતો. જે બાદ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી ફરિયાદ કરી હતી, જે ફરિયાદ અને ખોટા ભાડા કરારના આધારે ગાઝિયાબાદ રીજીયોનલ પાસપોર્ટ કચેરીમાં નવા પાસપોર્ટની અરજી કરીને 2024માં બીજો પાસપોર્ટ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *