સુરેન્દ્રનગરમાં જિ.પંચાયતના પૂર્વ ICDS ચેરમેનના પુત્ર પર હુમલો કરી લૂંટી લીધો

    લખતર શહેરમાં કાયદો -વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જિલ્લા પંચાયતના ICDS ના પૂર્વ ચેરમેનના પુત્ર પર જાહેરમાં હુમલો…

 

 

લખતર શહેરમાં કાયદો -વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જિલ્લા પંચાયતના ICDS ના પૂર્વ ચેરમેનના પુત્ર પર જાહેરમાં હુમલો કરી લૂંટ ચલાવ્યાની ફરિયાદ લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે.

આ મામલે ફરિયાદી હિમાંશુ ગુણવંતભાઈ વાઘેલાએ લખતર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે, લખતરના નરેન્દ્ર નાનજીભાઈ સોલંકી અને ચેતન સોલંકીએ અગાઉના કામના મનદુ:ખને લઈને જાહેરમાં હુમલો કર્યો હતો. ફરિયાદ મુજબ બંનેએ મારપીટ કરીને લૂંટ ચલાવી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, જૂના મનદુ:ખના કારણે આરોપીઓએ હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિમાંશુ વાઘેલા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના પૂર્વ ચેરમેન નંદુબેન વાઘેલાનો પુત્ર છે.આ ઘટના વચ્ચે નોંધપાત્ર બાબત એ છે કે, આ જ પ્રકરણના આરોપી તરીકે દર્શાવેલ નરેન્દ્ર નાનજીભાઈ સોલંકીએ ગતરાત્રે પોતાની કારના કાચ અજાણ્યા શખ્સોએ તોડી નાખ્યાની લેખિત અરજી લખતર પોલીસને આપી હતી.

જોકે, અરજદારના જણાવ્યા મુજબ ઘટનાના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ હોવા છતાં સાંજે લગભગ 5 વાગ્યા સુધી આ મામલે ફરિયાદ નોંધવામાં આવી નહોતી.હાલ સમગ્ર મામલે લખતર પોલીસ દ્વારા તપાસ શરૂૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હુમલો, લૂંટ અને કારમાં થયેલી તોડફોડત્રણે મુદ્દાઓની તપાસ બાદ જ સમગ્ર ઘટનાક્રમની સાચી હકીકત સામે આવશે. એક પ્રકરણમાં એક તરફ જાહેરમાં હુમલો અને લૂંટની ફરિયાદ નોંધાય છે, જ્યારે બીજી તરફ કારમાં થયેલી તોડફોડની અરજી પર FIR નોંધવામાં વિલંબ થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. શહેરમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે, પોલીસ દ્વારા સમયસર ફરિયાદો નોંધવામાં આવતી ન હોવાની માનસિકતાના કારણે અસામાજિક તત્વોના મનોબળમાં વધારો થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *