રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન (RDSA) દ્વારા આયોજિત આ સાહસિક અભિયાન 21 ફેબ્રુઆરી 2026 થી 2 માર્ચ 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે. અભિયાનનો પ્રારંભ સોમનાથ બીચથી થઈ દસ દિવસની સમુદ્રી સફર બાદ દેલવાડા સિમોર બીચ ખાતે સમાપન થશે. પ્રારંભ દિવસે ખેલાડીઓ દ્વારા આશરે 15 કિલોમીટર જેટલું સમુદ્રી સ્વિમિંગ અને કાયકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.
આ અભિયાનમાં સ્વિમર તરીકે વેનેસા શુક્લા (ઉ.19), પાર્થિવ મેઘાણી (ઉ.14), દિવ્યમ ચોટલિયા (ઉ.14) તેમજ કાયકિંગ ટીમમાં આર્યન જોશી (ઉ.20), વેદાંત જોશી (ઉ.18), સિદ્ધરાજ સોલંકી (ઉ.19) અને જિનલ પિત્રોડા (ઉ.19) જોડાયા છે. કશરય Saving Sports Federation of Indiaના પ્રેસિડન્ટ સેબેસ્ટિયન સર દ્વારા દરિયામાં લાઈફ સેવિંગ સ્પોર્ટ્સની વિવિધ પ્રવૃત્તિઓનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું.
આ પ્રસંગે રાજકોટના માનનીય ધારાસભ્ય અને પ્રોજેક્ટ ચેરમેન શ્રી રમેશભાઈ ટીલારા, RDSAના પ્રમુખ તથા ગુજરાત રાજ્યના પૂર્વ રમત-ગમત મંત્રી ઉમેશભાઈ રાજ્યગુરુ, હર્ષિતભાઈ રૂૂપાણી (શ્રી રામ સ્વિમિંગ ક્લબ, પોરબંદર), ઇન્ડિયન લાઈફ સેવિંગ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રેસિડન્ટ શ્રી સેબેસ્ટિયન રાજ, અંકિતા પાનસુરીયા ( સ્કૂબા ઇન્સ્પેક્ટર), હસમુખભાઈ અઢિયા (કેન્સર રીલીફ ફાઉન્ડેશન), ડો. જયેશભાઈ મૂંગરા (સ્પોર્ટ્સ ડિરેક્ટર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી), અશ્વિનભાઈ સોલંકી કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ, તેમજ સુનિલભાઈ રાજગોર, ભરતભાઈ કામલિયા, ચીનુભાઈ હાપાણી, ધરમશીભાઈ કલોલા, કાનજીભાઈ જુંગી સહિત અનેક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ આધ્યાત્મિકતા, સાહસ, રમતગમત, પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ અને સામાજિક જાગૃતિનો વ્યાપક સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો છે. યુવાનોમાં શારીરિક તથા માનસિક દૃઢતા વિકસે અને તેઓ સાહસિક રમતગમત તરફ પ્રેરાય તે માટે આ અભિયાન પ્રેરણાદાયક સાબિત થશે.
