કેટલાક ન્યાયાધીશો રાજા કરતા વફાદાર હોવાની માનસિકતાથી પીડાય છે

સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાએ કહ્યું કે દેશમાં ઉતાવળી ધરપકડો પછી સજા એકથી ત્રણ ટકા જ છે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ રવિવારે ’વિકસિત ભારત’માં…

સર્વોચ્ચ અદાલતના જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાએ કહ્યું કે દેશમાં ઉતાવળી ધરપકડો પછી સજા એકથી ત્રણ ટકા જ છે

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ રવિવારે ’વિકસિત ભારત’માં ન્યાયતંત્રની ભૂમિકા વિષય પર આયોજિત કોન્ફરન્સમાં અત્યંત મહત્વપૂર્ણ અને તીખી ટિપ્પણીઓ કરી છે. તેમણે ન્યાયાધીશોની કાર્યશૈલીથી લઈને સોશિયલ મીડિયા પોસ્ટ પર થતી FIR સુધીના મુદ્દે સિસ્ટમને આડે હાથ લીધી હતી.

જસ્ટિસ ભુઈયાએ સવાલ ઉઠાવતા કહ્યું કે, વર્તમાન સમયમાં કેટલાક જજ ‘રાજા કરતા પણ વધુ વફાદાર’ (More loyal than the king) રહેવાના સિન્ડ્રોમથી પીડાય છે. આ જ કારણ છે કે તેઓ વ્યાજબી અને યોગ્ય કેસોમાં પણ જામીન આપતા નથી, જેના લીધે નિર્દોષ લોકોને લાંબો સમય જેલના સળિયા પાછળ વિતાવવો પડે છે. વિકસિત ભારતની કલ્પના રજૂ કરતા તેમણે જણાવ્યું કે, લોકશાહીમાં અસંમતિ અને તંદુરસ્ત ચર્ચા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. અલગ-અલગ વિચારો પ્રત્યે સમાજમાં સહનશીલતા હોવી અનિવાર્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પ્રકારની અસંમતિને ‘અપરાધ’ ગણી શકાય નહીં.

સામાજિક સમાનતા પર ભાર મૂકતા જસ્ટિસ ભુઈયાએ કહ્યું, વિકસિત ભારતમાં એવું ન બની શકે કે માતા-પિતા પોતાના બાળકને દલિતોના હાથનું ભોજન લેતા રોકે. એ પણ સ્વીકાર્ય નથી કે દલિત પુરુષો પર અમાનવીય અત્યાચારો થાય. દરેક નાગરિકની ગરિમાની રક્ષા થવી એ ન્યાયતંત્રની પ્રાથમિકતા છે.

UAPA (Unlawful Activities Prevention Act) ને કઠોર કાયદો ગણાવતા તેમણે ગૃહ મંત્રાલયના આંકડા રજૂ કર્યા હતા. 2019: 1984 ધરપકડ સામે સજાનો દર માત્ર 1.74%. 2020: 1321 ધરપકડ સામે સજાનો દર માત્ર 3%. તેમણે કહ્યું કે 4% થી પણ ઓછો સજાનો દર એ સૂચવે છે કે ધરપકડો કોઈ પણ નક્કર પુરાવા વિના ઉતાવળમાં કરવામાં આવી રહી છે, જે અંતે અદાલતો પર બોજ વધારે છે. ન્યાયમૂર્તિએ ચિંતા વ્યક્ત કરી કે નાની બાબતો, વિરોધ પ્રદર્શનો કે સોશિયલ મીડિયા મીમ્સ પર પણ હવે બેદરકારીથી FIR નોંધાય છે. આ કેસો જ્યારે સુપ્રીમ કોર્ટ પહોંચે છે ત્યારે તપાસ માટે SIT બનાવવી પડે છે, જેનાથી ન્યાયતંત્રનો કિંમતી સમય બરબાદ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *