મુળ બોટાદના વતની અને હાલ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી છેલ્લા છ મહિનાથી રાજકોટમાં રહેતા સોફટવેર ઇજનેરે આર્થિકભીંસથી કંટાળી ફિનાઇલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મુંજકા વિસ્તારમાં આવેલ હોસ્ટેલમાં રહેતા ભાવિક રમેશભાઇ સાથલીયા નામનો 25 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં હોસ્ટેલ પાસે હતો. ત્યારે ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબીયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં ભાવિક સાથલીયા મુળ બોટાદનો વતની છે અને ત્રણ બહેનોનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ પુત્ર છે. ભાવિક સાથલીયાએ સોફટવેર એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી છેલ્લા છ મહિનાથી રાજકોટમાં હોસ્ટેલમાં રહેતો હતો. ભાવિક સાથલીયાએ આર્થિક ભીંસથી કંટાળી ફિનાઇલ પી લીધું હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
