સોડવદર ડેમ ઓવરફ્લો, મોજ, આજી-2 અને ઉમિયા સાગર ડેમના દરવાજા ખોલાયા

તાજેતરમાં રાજકોટ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિવિધ જળાશયોમાં પાણીની આવક થઈ છે.જેમાં મોજ, આજી-2 અને ઉમિયાસાગર ડેમના દરવાજા ખોલાયા છે. વેરી ડેમ 80 ટકા,…

તાજેતરમાં રાજકોટ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિવિધ જળાશયોમાં પાણીની આવક થઈ છે.જેમાં મોજ, આજી-2 અને ઉમિયાસાગર ડેમના દરવાજા ખોલાયા છે. વેરી ડેમ 80 ટકા, ફોફળ-1 ડેમ 70 ટકા ભરાયો અને સોડવદર 0.2 મીટર ઓવરફ્લો થયો છે. ઉપરોક્ત તમામ ડેમોના હેઠવાસના ગામોના નાગરિકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

ઉપલેટા તાલુકાના મોજ ડેમના 10 દરવાજા 1.52 મીટર ખોલાયા છે. આજી-2 ડેમના પાંચ દરવાજા 0.15 મીટર ખોલાયા છે. જામજોધપુર તાલુકાના ઉમિયા સાગર ડેમના 10 દરવાજા 2.13 મીટર ખોલાયા છે. જામકંડોરણા પાસેનો સોડવદર જળાશય 0.2 મીટર ઓવરફ્લો થયેલ છે , જ્યારે ફોફળ-1 જળાશય 70 ટકા પાણીથી ભરાયેલ છે. આથી ઉપરોક્ત તમામ ડેમોના હેઠવાસના ગામોના લોકોને જિલ્લા ફ્લડ કંટ્રોલ સેલ દ્વારા સાવચેત રહેવા અને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા સુચના અપાઈ છે.જેમાં ઉપલેટા તાલુકાના હરિયાસણ, ચરેલીયા, ખરાચિયા, રાજપરા, રબારીકા, ઉપલેટા શહેર, નવાપરા, ગઢાળા, કેરાળા, ખાખી જાળીયા, મોજીરા, સેવંત્રા, ચરેલીયા અને વડલા તથા ગોંડલ તાલુકાનાં કંટોલિયા, ગોંડલ શહેર અને વોરાકોટડા ગામોનો સમાવેશ થાય છે.

જામકંડોરણા તાલુકાના દુધીવદર, ઈશ્વરીયા, તરવડા, જામજોધપુરનું સીદસર, ધોરાજીનાં ઝાંઝમેર, વેગડી અને સુપેડી ગામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પડધરીના દહીસરડા, બાઘી, અડબાલકા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખાપર અને ઉકરડા ગામનો સમાવેશ થાય છે. ઉપરોક્ત ગામના લોકોએ નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં ચેતવણી સંદેશ અપાયો છે. જિલ્લામા થઈ રહેલા સતત વરસાદને લીધે થયેલ નુકસાનની વિગતો નીચે મુજબ છે.

ઉપલેટા તાલુકાના વડેખણ ગામે 23 ઓગસ્ટના રોજ રાત્રે લાભુબેન મુળુભાઈ બગડા નામની વ્યકિતના નળિયાવાળા કાચા મકાનની છત પડી ગઈ હતી, સદનસીબે જાનમાલને કોઈ નુકસાની થયેલ નથી. આ ઉપરાંત જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામે રઘુભાઈ માંડાભાઈ રાઠોડની ભેંસ 23 ઓગસ્ટના રોજ સીમમાંથી ગામમાં પરત ફરતી વેળાએ સાંકરોલી નદીના વહેણમાં તણાઈ ગયાની શંકા હતી. 24 ઓગસ્ટના રોજ સીમ વિસ્તારમાં પાણીમાંથી આ ભેંસ મૃત અવસ્થામાં મળી આવી હતી, તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *