20 ફેબ્રુઆરીના રોજ બહાર પાડેલા ડ્રાફટને 127 સુચનો મળ્યા, તમામનો અભ્યાસ કરી સરકાર નક્કી કરશે કે લગ્ન નોંધણી કઈ રીતે થશે!
અનેક લોકોને ‘સ્વતંત્રતા’ છીનવાનાનો ભય તો અમુકને આ ખુબ જરૂરી લાગ્યું
ગુજરાત સરકારે લગ્ન નોંધણી નિયમોમાં મોટા સુધારાના ડ્રાફ્ટ પર 127 સૂચનો અને વિરોધ પ્રાપ્ત થયા છે. ફેબ્રુઆરી 20, 2025માં જાહેર કરાયેલા આ ડ્રાફ્ટમાં લગ્ન નોંધણી વખતે વાલીઓને જાણ કરવી ફરજિયાત કરવાનો મુખ્ય પ્રસ્તાવ છે. અભિપ્રાયોમાં સ્પષ્ટ વિભાજન જોવા મળ્યું છે એક તરફ કેટલાકે વધુ કડક નિયમોની માગણી કરી છે, તો બીજી તરફ અનેકોએ તેને વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
સરકારે ‘ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજીસ એક્ટ-2006’ હેઠળ આ સુધારા લાવ્યા હતા. ડ્રાફ્ટ અનુસાર લગ્ન નોંધણી માટે અરજી કરનારે ઘોષણા કરવી પડશે કે તેણે વાલીઓને લગ્નની જાણ કરી છે કે નહીં. સહાયક રજિસ્ટ્રારને દસ્તાવેજો સંતોષકારક લાગ્યા પછી 10 દિવસમાં બંને પક્ષના વાલીઓને શારીરિક કે ઇલેક્ટ્રોનિક રીતે જાણ કરવામાં આવશે. આ ઉપરાંત 30 દિવસનો મોરેટોરિયમ પણ રાખવાનો પ્રસ્તાવ છે.
જે અભિપ્રાયો સમર્થનમાં છે તેમાં કેટલાકે વાલીઓની સંમતિ વિના લગ્ન કરનાર સંતાનને માતા-પિતાની જંગમ-સ્થાવર મિલકત પરથી અધિકાર ગુમાવવો જોઈએ તેવી માગણી કરી છે. કેટલાકે બંને પક્ષના વાલીઓની હાજરી અને સહી ફરજિયાત કરવા, છોકરીના નિવાસસ્થાનના રેવન્યુ વિસ્તારમાં જ નોંધણી કરવી તેમજ દંપતીએ આર્થિક સંપત્તિ, જવાબદારીઓ અને કોઈ વારસાગત-આનુવંશિક કે ચેપી રોગની જાહેરાત કરવી જોઈએ તેવા સૂચનો આપ્યા છે. કેટલાકે ‘લવ જિહાદ’ જેવા કિસ્સાઓમાં વધુ કડક સજા અને જાતિ પ્રમાણપત્રના બદલે ધર્મ સંબંધિત દસ્તાવેજો માગવા જણાવ્યું છે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સુધારાને ‘લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુરક્ષા વધારવા’નું કારણ આપ્યું હતું. તેમણે ‘લવ જિહાદ’ને ‘સાંસ્કૃતિક આક્રમણ’ કહીને સરકારના કડક વલણની વાત કરી હતી. સરકારી સૂત્રોએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મોડલ કોડ ઓફ કંડક્ટ અમલમાં હોવાથી હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. વળી, યુનિફોર્મ સિવિલ કોડ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી નથી, તેથી તે અમલમાં આવ્યા પછી જ આ નિયમોનો અંતિમ નિર્ણય લેવાશે. આ 127 અભિપ્રાયોમાં નાગરિકો તથા વિવિધ સંગઠનોના અભિપ્રાયો સામેલ છે. સરકાર હવે આ તમામને અભ્યાસ કરીને અંતિમ નિર્ણય લેશે. આ સુધારા અમલમાં આવશે તો ગુજરાતમાં લગ્ન નોંધણી પ્રક્રિયા કેટલીક અંશે બદલાઈ જશે, જેના કારણે યુવા દંપતીઓ અને વાલીઓ વચ્ચેના સંબંધો પર અસર પડી શકે છે.
આ સુધારા બંધારણના આર્ટીકલ-21નું ઉલ્લંઘન કરતી હોવાની અનેક રજુઆતો મળી
વિરોધી અભિપ્રાયોમાં મુખ્ય વાંધો એ છે કે વાલીઓને ફરજિયાત જાણ કરવી ભારતીય બંધારણના અનુચ્છેદ-21 હેઠળના વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે. કેટલાકે લગ્નની વિગતો જાહેર પોર્ટલ પર મૂકવાને ગોપનીયતાનું ભંગ કહ્યું છે. વાલીઓના આધારકાર્ડ કે અન્ય ઓળખપત્રની માગણીને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ વિરુદ્ધ ગણાવી છે. વિરોધીઓનું કહેવું છે કે આવા નિયમો ખોટી કિડનેપિંગની ફરિયાદો, વાલીઓની દખલગીરી, દબાણ અને ‘ઓનર કિલિંગ’ જેવી ઘટનાઓ વધારી શકે છે.
