મોરબી જિલ્લામાં કડકડતી ઠંડીમાં નિશાચરો સક્રિય બની તરખાટ મચાવી રહ્યા છે ત્યારે ગત રાત્રીના માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામમાં ત્રાટકેલા તસ્કરોએ એક સાથે સાત મકાનને નિશાન બનાવી ચોરી કર્યાનું સામે આવ્યું છે. કડકડતી ઠંડીમાં નિશાચરોએ પેટ્રોલિંગ કરીને પોલીસની ઠંડી ઉડાડી દીધી છે. માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે તસ્કરોએ ગત રાત્રે તરખાટ મચાવ્યો હતો અને એક સાથે સાત બંધ મકાનના તાળા તોડી નાની મોટી માલમતાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરીની આ ઘટનામાં તસ્કરોએ તમામ બંધ મકાનને નિશાન બનાવ્યા છે. જેથી મોરબી ખાતે રહેતા મકાન માલિકો આવે ત્યારે બાદ ચોરીમાં શું શું ગયું છે, તેની સાચી હકીકત બહાર આવશે. હાલ તો એક સાથે સાત મકાનમાં ચોરી થતા નાના એવા ગામમાં નિશાચરોના નાઈટ પેટ્રોલિંગથી લોકોમાં ફફડાટ મચી ગયો છે.
કેટલી માલમત્તા ગઇ તે મકાન માલિકો આવ્યા બાદ સામે આવશે. બીજી તરફ મોરબીના મકનસર ગામે ગોકુલનગર વિસ્તારમાં તાજેતરમાં મોડી રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ત્રણ તસ્કરએ ધામાં નાખ્યા હતા. આ તસ્કરોએ સાથે મળીને ઘરે ઘરે ફાંફાં માર્યા હતા. ઉપરાંત અનેક ઘરોની દીવાલ કૂદી અંદર ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો.જો કે આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. આ બનાવને પગલે સ્થાનિકોમાં ભયની લાગણી ફેલાઇ હોય, પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.