ભવિષ્યમાં પણ કોઈ સરકારી નોકરી મેળવી નહીં શકે : સસ્પેન્ડ ટી.પી.ઓ. સાગઠિયા સામે તપાસ ચાલુ, નિવૃત્તિ હક્ક-હિસ્સા અટકાવાયા
રાજકોટમાં ગત તા.25 મે-2024નાં રોજ સર્જાયેલ 27 લોકોનો ભોગ લેનારી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં જવાબદાર મહાનગરપાલિકાના છ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ હવે ડિસમિસ કરી દેવામાં આવ્યા છે. જ્યારે સસ્પેન્ડ ચીફ ટી.પી.ઓ.સાગઠીયા વય નિવૃત્ત થઈ જતાં તેની સામેની તપાસ હજુ ચાલી રહી છે પરંતુ તેના નિવૃત્તિ પેન્શન, હક્ક હિસ્સા અટકાવી દેવામાં આવ્યા છે અને ફાયર ઓફિસર ઇલેશ ખેર સામે પણ હજુ તપાસ ચાલી રહી હોય તે અંગે જનરલબોર્ડની મંજુરી મેળવવાની પ્રક્રિયા બાકી છે.
આ ચકચારી કેસની આજે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મ્યુનિ.કમિશનરે સોગંદનામું રજુ કર્યુ હતું. જેમાં જવાબદાર છ અધિકારીઓને ડિસમિસ કરાયા હોવાનું જણાવ્યું છે. આ અધિકારીઓ ભવિષ્યમાં પણ કોઈ સરકારી નોકરી કરી શકે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા.25 મે 2024ની સાંજે આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે ઘટનામાં પોલીસે ફરિયાદી બની જવાબદાર મહાનગર પાલિકાના અધિકારીઓ અને ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો. જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ કનૈયાલાલ હીરનનું મોત થયું હતું. જ્યારે બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કર્યા હતા.
ચકચારી અગ્નિકાંડ કેસમાં હાઈકોર્ટ દ્વારા સુઓમોટો લેવામાં આવ્યો હતો અને જે સુઓમોટો અરજીની તારીખ 27-3-2026નાં રોજ હાઈકોર્ટ દ્વારા અગ્નિકાંડમાં સંડોવાયેલા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરી તા.10 જુલાઈએ રિપોર્ટ રજુ કરવા આદેશ કરવામાં આવ્યો હતો ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાઈકોર્ટના આદેશના પગલે ખાતાકીય તપાસ કરી જવાબદાર આઠ અધિકારીઓ વિરૂધ્ધ હાઈકોર્ટમાં એફિડેવીડ રજુ કર્યુ હતું.
જેમાં સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને વય નિવૃત્ત કરી નિવૃત્તિ હક્ક હિસ્સા અટકાવ્યા હોવાનું અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સ્ટેશનના ઓફિસ રોહિત વિગોરા, ટાઉન પ્લાનીંગના અધિકારી ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાને જવાબદાર ઠેરવી ડિસમીસ કરાયા હતાં. મ્યુનિ.કમિશ્નર દ્વારા રજુ કરાયેલા એફીડેવીડને હાઈકોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી આગામી 7-ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તેવો હુકમ કર્યો છે. આ કેસમાં વિક્ટિમ વતી હાઈકોર્ટમાં રાજકોટના યુવા એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ રોકાઈ હતી.
કયા કયા અધિકારીને ડિસમિસ કરાયા
આસી. TPO ગૌતમ જોષી
આસી. TPO મુકેશ મકવાણા
ફાયર ઓફિસર રોહિત વિગોરા
આસી. એન્જિનિયર જયદીપ ચૌધરી
આસી. એન્જિનિયર રાજેશ મકવાણા
DYCFOભીખા ઠેબા
તપાસ ચાલુ
TPO મનસુખ સાગઠિયા
CFO ઇલેશ ખેર
