રાજકોટમાં ચાંદીનો ભાવ 2,44,500ને પાર, સોનુ 1,43,200 પર પહોંચ્યું
બુલિયન માર્કેટમાં ચાંદીએ ઈતિહાસ સજર્યો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 17000 રૂપિયાનો વધારો નોંધાયો છે. જેના પગલે ચાંદી હવે અઢી લાખના ભાવ તરફ ઝડપથી આગળ વધી છે. વૈશ્ર્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતો અને ઘરેલું બજારમાં રોકાણકારોની ભારે ખરીદીના પગલે એમસીએકસ પર સોના અને ચાંદીના ભાવમાં શુક્રવારે માર્કેટ બંધ રહી ત્યારે તોફાની તેજી જોવા મળી હતી. સોનુ અને ચાંદી બન્ને ઓલટાઈમ હાઈ તો થયા જ છે પરંતુ તોફાની તેજીના પગલે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
એમસીએકસ પર સોનુ 2000 રૂપિયા વધીને 1,39,750 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સપાટીએ પહોંચ્યું છે. જ્યારે ચાંદીના ભાવમાં 17150નો જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો અને ભાવ 2,38,905 પર પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 4530 ડોલર પર પહોંચ્યું છે જ્યારે ચાંદી 79.38 ડોલર પર પહોંચી છે.
રાજકોટની બજારની વાત કરીએ તો રાજકોટમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો 1,43,150 પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ રાજકોટની બજારમાં 2,44,500 સુધી પહોંચ્યો છે. આ ઐતિહાસીક તેજી પાછળના કારણોમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય અને ઘરેલું પરિબળો જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવનાઓને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. ઉપરાંત વધતાં ભૌગોલીક રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષીત રોકાણ તરીકે સોના ચાંદી તરફ વળ્યા છે. ચાંદીના ભાવમાં થયેલા મોટા ઉછાળા પાછળ વૈશ્ર્વિક સ્તરે પુરવઠાની અછત, મજબૂત ઔદ્યોગિક માંગ અને ભારતીય આયાતમાં વધારો જેવા મુખ્ય કારણો જવાબદાર છે.
સપ્લાય ચેઈનમાં વિક્ષેપ પણ આ તેજી પાછળ મુખ્ય પરિબળ છે. વિશ્ર્વભરની બેંકો દ્વારા સોનાની ખરીદી સતત ભાવ વધારાને ટેકો આપી રહી છે. ડોલર સામે રૂપિયાના મુલ્યમાં થતી વધઘટ પણ સોના ચાંદીના ભાવને પ્રભાવિત કરી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 70 ટકાનો વધારો આવ્યો છે જે 1979 પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો છે. જ્યારે ચાંદીના ભાવમાં 160 ટકાનો વધારો નોંધાયો છે. રોકાણકારો હવે એ વાત પર નજર રાખી રહ્યા છે કે આ તેજી 2026 ના વર્ષમાં પણ ચાલુ રહેશે કે કેમ ?
