રાજ્ય સરકારે કુટુંબની વ્યાખ્યામાં કર્યો સુધારો, પરિપત્ર જાહેર
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2002 હેઠળ ‘કુટુંબ’ ની વ્યાખ્યામાં સુધારો કરીને તેને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સુધારા મુજબ હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે રહેતા હોય તેવા ભાઈ-બહેનને પણ તબીબી સારવારનો લાભ મળશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.24 ઓગસ્ટ, 2015ના ઠરાવથી લાગુ કરેલ ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015ના નિયમ-2.2માં આપવામાં આવેલ “કુટુંબ” ની વ્યાખ્યાને બદલે તેના સ્થાને ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, 2002 ના નિયમ-9(26)માં આપવામાં આવેલ નીચે મુજબની “કુટુંબ” ની વ્યાખ્યા લાગુ પાડવાની રહેશે.
“કુટુંબ” એટલે યથાપ્રસંગ, સરકારી કર્મચારીની સાથે રહેતા પત્ની અગર પતિ તેમજ તેની સાથે રહેતા અને સર્વથા તેના ઉપર આધારિત ઔરસ કે સાવકા બાળકો. આ ઉપરાંત તેના માતા પિતા, બહેનો, સગીર ભાઈઓ કે જેઓ સાથે રહેતા હોય અને તેના ઉપર સર્વથા આધારિત હોય તેઓનો પણ તેમાં સમાવેશ થાય છે. “કુટુંબ” શબ્દમાં આ નિયમોના હેતુ માટે, એક કરતાં વધુ પત્નીનો સમાવેશ થતો નથી.
સરકારી કર્મચારીના અંગત કાયદા હેઠળ જો દત્તક વિધિ ગ્રહણ કાયદેસર ગણાતી હોય અને તેથી દત્તક લીધેલ બાળકને ઔરસ બાળકનો દરજ્જો પ્રાપ્ત થતો હોય, તો તેણે દત્તક લીધેલ બાળકને કાયદેસર ઔરસ બાળક ગણવામાં આવશે.
ઔરસ કે ઓરમાન બાળક, માતા-પિતા, બહેન, સગીર ભાઈ જેઓ સરકારી કર્મચારી સાથે રહેતા હોય અને જેમની બધા સ્ત્રોતોથી થતી પેન્શન સહિતની (પેન્શન ઉપર મળવાપાત્ર થતા હંગામી વધારા સહિતની) માસિક આવક રૂૂ.500થી વધુ થતી ન હોય તેવા સભ્યો સરકારી કર્મચારી ઉપર પૂર્ણત: આશ્રિત” ગણાશે.
સરકારના નિર્ણય અનુસાર હવે સરકારી કર્મચારી સાથે રહેતા અને તેના પર આર્થિક રીતે આધારિત પરિવારના સભ્યોને સારવાર સંબંધિત લાભોમાં સમાવેશ કરવામાં આવશે. નવા સુધારા મુજબ કર્મચારી સાથે રહેતા માતા-પિતા, પત્ની અથવા પતિ, સંતાનો ઉપરાંત અન્ય નિર્ભર સભ્યોને પણ કેટલીક પરિસ્થિતિમાં લાભ મળવાની જોગવાઈ કરવામાં આવી છે.
