મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે ગાંધીનગર અક્ષરધામ ખાતે ભગવાન સ્વામિનારાયણના તપોમય કિશોર સ્વરૂપ શ્રી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિની વેદોક્ત પ્રતિષ્ઠા સંપન્ન: પૂજનવિધિમાં 555 તીર્થોનાં જળનો ઉપયોગ કરાયો
સંસ્કૃતિપુરુષ બ્રહ્મસ્વરૂૂપ પ્રમુખ સ્વામી મહારાજે 32 વર્ષ પહેલાં ગાંધીનગરમાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના અજવાળાં પાથરતા ભવ્ય અને દિવ્ય અક્ષરધામની ભેટ આપી. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની નિશ્રામાં બીએપીએસ સંસ્થાના સંતો અને હરિભક્તોના સમર્પણથી નવીન સોપાનો સર થઈ રહ્યાં છે. આજે 11 નવેમ્બર, કાર્તિક સુદ દશમીના શુભ દિને, ગાંધીનગરના સ્વામિ નારાયણ અક્ષરધામ પરિસરમાં મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે આવા જ એક નૂતન સોપાન એટલે કે શ્રી નીલકંઠ વર્ણીની તપોમૂર્તિનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાઈ ગયો.
સવારે 7:30 વાગ્યે બીએ પીએસ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો ઈશ્વરચરણ સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, વિવેકસાગર સ્વામી, તેમજ ગાંધીનગર અક્ષરધામના મુખ્ય સંત આનંદસ્વરૂૂપ સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં મૂર્તિપ્રતિષ્ઠા વિધિ અંતર્ગત પૂર્વન્યાસ વિધિનો આરંભ થયો હતો.
બીએપીએસના વિદ્વાન સંત શ્રુતિપ્રકાશ સ્વામીએ વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે સમગ્ર પૂજાવિધિ કરાવી હતી. પૂર્વન્યાસ વિધિ બાદ નીલકંઠ વર્ણી મહારાજના 108 મંગળકારી નામ તેમજ સહજાનંદ નામાવલીનો જપ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત અક્ષરવત્સલદાસ સ્વામીએ સમગ્ર ભારતમાં નીલકંઠ વર્ણીની સૌથી ઊંચામાં ઊંચી એવી આ નીલકંઠ વર્ણી તપોમૂર્તિની વિશેષતાઓ વર્ણવી હતી. તેમણે એ પણ જણાવ્યું કે નેપાળમાં મુક્તિનાથમાં ભગવાન સ્વામિનારાયણે જે તપોમુદ્રામાં 2 મહિના અને 20 દિવસ સુધી કઠોર તપ આદર્યું હતું તે તપોમુદ્રામાં નીલકંઠ વર્ણીની મૂર્તિની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર એટલે કે સ્વામિનારાયણ અક્ષરધામ, રોબિન્સ્વિલ, ન્યુજર્સી ખાતે સૌપ્રથમ વાર આ પ્રકારની 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
8:30 વાગ્યે મહંત સ્વામી મહારાજ દ્વારા 555 તીર્થોના પવિત્ર જળ દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચાર ધામ, પંચ કેદાર, પંચ સરોવર, સાત પૂરી, સાત બદરી, સાત ક્ષેત્રો, આઠ વિનાયક તીર્થો, નવ અરણ્યક, બાર મહા સંગમો, એકાવન શકિતપીઠો, ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત છ મંદિરો, બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂૂપ શાસ્ત્રીજી મહારાજ દ્વારા નિર્મિત 5 મંદિરો, તેમજ બીએપીએસની ગુરૂૂપરંપરા દ્વારા સ્થાપિત મંદિરો સહિત અનેક તીર્થોમાંના પવિત્ર જળ વડે વિધિ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા મહંત સ્વામી મહારાજને વિવિધ કલાત્મક હાર તેમજ ચાદર અર્પણ કરવામાં આવ્યા હતા. આ મૂર્તિના નિર્માણમાં જેમનું વિશેષ માર્ગદર્શન આપનાર સંસ્થાના વરિષ્ઠ સંત ઈશ્વરચરણ સ્વામીએ તેઓના સંબોધનમાં જણાવ્યું. “ગુજરાતના પાટનગરમાં અક્ષરધામ એ પ્રમુખસ્વામી મહારાજની ભેટ છે. આજે તપોમૂર્તિ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિના દર્શન થઈ રહ્યા છે તે મહંત સ્વામી મહારાજનો સંકલ્પ છે.મહંત સ્વામી મહારાજે તેઓના આશીર્વચનમાં જણાવ્યું, “આ તપોમૂર્તિના દર્શન કરતાં મન સ્થિર થઈ જાય અને મન ખેંચાઈ જાય તેવી આ ભવ્ય તપોમૂર્તિ છે. નીલકંઠ વર્ણી સર્વેના સંકલ્પો પૂરા કરે અને સર્વેને તપ કરવાની પ્રેરણા મળે. જેમણે અહીં સેવા કરી છે, તેમને ધન્યવાદ અને સર્વેના જીવનમાં સત્સંગની દૃઢતા થતી રહે તેવી પ્રાર્થના.”