રાજુલામાં શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર, નિ:શુલ્ક હોસ્પિટલનું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ

ગઇકાલે તારીખ 13 મે ના રોજ પૂજ્ય મોરારિબાપુના હસ્તે શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત રાજુલા સ્થિત શ્રી મહાત્મા…

ગઇકાલે તારીખ 13 મે ના રોજ પૂજ્ય મોરારિબાપુના હસ્તે શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા નિર્મિત અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત રાજુલા સ્થિત શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિ:શુલ્ક હોસ્પિટલનું લોકાર્પણ થયું. રાજુલા સ્થિત આ આરોગ્ય મંદિર 22 કરોડ રૂૂપિયાના ખર્ચથી નિર્માણ પામેલ છે અને આધુનિક ઓપરેશન થિયેટર અને તમામ અદ્યતન મેડિકલ સાધનોથી સુસજ્જ છે. બાપુ સવારે 11.30 વાગ્યે હોસ્પિટલના પ્રાંગણમાં પધાર્યા અને સૌપ્રથમ તેમણે ધન્વંતરિ માતાના મંદિરમાં પુષ્પ અર્પણ કર્યું.

ત્યારબાદ અન્ય સાધુ સંતો, સર્વે ટ્રસ્ટી, દાતાઓ તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં રીબીન કાપીને હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ બાપુએ સમગ્ર હોસ્પિટલનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને દરેક ડિપાર્ટમેંટની મુલાકાત લીધા બાદ ખૂબ સંતોષ અને રાજીપો વ્યક્ત કર્યો.

પૂજ્ય મોરારિબાપુએ તેમના પ્રેરક ઉદબોધનમાં ભાર દઈને કહ્યું કે ‘ આમ તો હું ચમત્કારમાં માનતો નથી. પરંતુ 8 વર્ષ પહેલા એક નાનકડા દવાખાનામાંથી શરૂૂ થયેલ હોસ્પિટલ આજે આટલી ઉચ્ચ કક્ષાની અદ્યતન હોસ્પિટલમાં પરિવર્તિત થઈ છે, આને હું ચમત્કાર જ ગણું છું’. આ દરમ્યાન, મોરારિબાપુએ છેલ્લા 11.5 વર્ષથી કાર્યરત સાવરકુંડલા સ્થિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલની પણ ખૂબ પ્રસંશા વ્યક્ત કરી.

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન અને શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટનું વિલય થઈ ગયા બાદ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન (સાવરકુંડલા) ની ટિમ સુવ્યવસ્થિતપણે આ હોસ્પિટલનું પણ અત્યંત કુશળ રીતે સંચાલન કરશે, તેવો વિશ્વાસ પણ બાપુએ વ્યક્ત કર્યો. મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલના લાભાર્થે ત્રણ દિગ્ગજ કલાકારો માયાભાઇ આહિર, સાઇરામભાઇ દવે અને કીર્તિદાનભાઈ ગઢવી એક મંચ પર આવી સમગ્ર યુરોપ અને અમેરિકામાં વિવિધ કાર્યક્રમો કરશે અને ત્યાંથી જે દાનની રકમ મળશે તે આ હોસ્પિટલને અર્પણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *