રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા અથવા પરત કરવા માટે 90 દિવસનો સમય નક્કી કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં એક રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. રાષ્ટ્રપતિ વતી આ કેસમાં એક સંદર્ભ દાખલ કરવામાં આવ્યો છે અને હવે કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. ગુરુવારે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી દલીલ કરતા કલમ 200 નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બંધારણની આ જોગવાઈ મુજબ, રાજ્યપાલની શક્તિ વ્યાપક છે અને તે બિલ પર પોતાના વિવેકબુદ્ધિથી નિર્ણય લેવાના કાર્યક્ષેત્રમાં આવે છે. રાજ્યપાલ બંધારણીય અને રાજકીય શિષ્ટાચારનું પાલન કરીને નિર્ણય લે છે અને તેના માટે સમય મર્યાદા નક્કી કરવી ખોટી છે.
સરકાર તરફથી દલીલ કરતા, તુષાર મહેતાએ કહ્યું કે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંધારણીય સંસ્થાઓ છે. તેવી જ રીતે, કોર્ટ પણ એક બંધારણીય સંસ્થા છે. પ્રશ્ન એ છે કે એક બંધારણીય સંસ્થા તેના સમકક્ષ બીજી સંસ્થા માટે સમયરેખા કેવી રીતે નક્કી કરી શકે છે. આ અંગે જસ્ટિસ નરસિંહાએ કહ્યું કે એવી સ્થિતિ ઊભી થઈ છે કે બંને પોતપોતાના પક્ષથી આત્યંતિક વલણ અપનાવી રહ્યા છે. આવું થઈ રહ્યું છે કારણ કે એકે પોતાનો નિર્ણય લીધો છે. પરંતુ એવું ન કહી શકાય કે ફક્ત એકનો પક્ષ જ સાચો છે. આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ પણ ખુલ્લેઆમ વાત કરી.
તેમણે કહ્યું કે જો કોઈ બંધારણીય સંસ્થા ભૂલ કરે છે, તો ઉકેલની જરૂૂર છે. આ કોર્ટ બંધારણનો એક ભાગ છે. જો કોઈ બંધારણીય સંસ્થા કોઈ માન્ય કારણ વગર પોતાનું કામ કરી રહી નથી, તો શું કોર્ટે કહેવું જોઈએ કે આપણે શક્તિહીન છીએ અને આપણા હાથ બંધાયેલા છે. આપણે કોઈ નિર્ણય લેવો પડશે. તે જ સમયે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટના જ અધિકારક્ષેત્ર પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આવા મામલાને કોર્ટમાં લઈ જઈને તેનો નિર્ણય લેવો યોગ્ય નથી.
તુષાર મહેતાએ કહ્યું કે ધારો કે રાજ્યપાલ કોઈ બિલ પર નિર્ણય નથી લઈ રહ્યા, તો તેના માટે રાજકીય ઉકેલો છે. આવા કિસ્સાઓમાં એક પ્રતિનિધિમંડળ પીએમ અથવા રાષ્ટ્રપતિ પાસે જઈ શકે છે. આ રીતે આ મુદ્દો ઉકેલી શકાય છે. પરંતુ આનો અર્થ એ નથી કે કોર્ટે સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. ઘણા રાજ્યોમાં આવા કેસો સામે આવ્યા છે. રાજકીય પરિપક્વતાને કારણે જ આવા મુદ્દાઓ ઉકેલાયા છે. આના પર જસ્ટિસ નરસિંહાએ કહ્યું કે ઠીક છે, અમે સમયમર્યાદા નક્કી નહીં કરીએ. પરંતુ એક પ્રક્રિયા હોવી જોઈએ.
