અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ સુપર ફલોપ, 70% સ્ટોલ બંધ

18 વિસ્તારોમાં રૂા.16 કરોડના ખર્ચે ઊભી કરાયેલ ઝાકમઝોળમાં સાવ ઝાંખી ધરાકી, મોટા ભાગના હરવા-ફરવા અને સેલ્ફી પાડવા આવે છે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદીઓને ખરીદી માટે…

18 વિસ્તારોમાં રૂા.16 કરોડના ખર્ચે ઊભી કરાયેલ ઝાકમઝોળમાં સાવ ઝાંખી ધરાકી, મોટા ભાગના હરવા-ફરવા અને સેલ્ફી પાડવા આવે છે


રાજ્ય સરકાર દ્વારા અમદાવાદીઓને ખરીદી માટે આકર્ષવા મોટા ઉપાડે શરુ કરાયેલા શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો થયો છે. કુલ 18 વિસ્તારમાં અંદાજે રૂૂ. 16 કરોડથી વધુના ખર્ચે ઊભા કરવામાં આવેલા શોપિંગ ફેસ્ટિવલની ઝાકમઝોળ મોંઘવારી અને ઘરાકીના અભાવે ઝાંખી પડી છે.


અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે સંયુક્તપણે અમદાવાદના જુદા-જુદા 18 સ્થળોએ 95 દિવસ માટે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. જેની શરુઆત 12 ઑક્ટોબરે થઈ હતી. પરંતુ સ્ટોલના ઊંચા ભાડાના કારણે વેપારીઓ અને ચીજ વસ્તુઓમાં ડિસ્કાઉન્ટ બાદ પણ ઊંચી કિંમતોના કારણે ગ્રાહકો નિરાશ થયા હતા.


અમદાવાદમાં ટોચના ચાર વિસ્તારો સિંધુભવન, નિકોલ, સી જી રોડ, અને મણિનગરમાં શરુ કરાયેલા આ શોપિંગ ફેસ્ટિવલમાં મોટાભાગના સ્ટોલના પડદાં પડી ગયા છે. સિંધુભવન પર દર 12માંથી 10 સ્ટોલ બંધ થઈ ગયા છે. જ્યારે લો ગાર્ડન પર સાત ફૂડ સ્ટોલમાંથી ચાર ફૂડ સ્ટોલ 20 દિવસમાં જ બંધ થઈ ગયા છે. પૂર્વ વિસ્તારમાં નિકોલ અને મણિનગર ખાતે પણ શોપિંગ ફેસ્ટિવલમાં રજાના દિવસે ભીડ તો જોવા મળે છે, પરંતુ તે ખરીદી માટે નહીં પણ હરવા-ફરવા અને સેલ્ફી ફોટો માટે આવતી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.


રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા છેલ્લા પાંચ વર્ષથી દિવાળીના તહેવારમાં આ પ્રકારના શોપિંગ ફેસ્ટિવલ પાછળ કરોડો રૂૂપિયા ખર્ચી રહી છે. પરંતુ તેને સારો પ્રતિસાદ મળ્યો નથી. 2019માં જ્યારે આ પ્રકારના શોપિંગ ફેસ્ટિવલની પ્રથા શરુ કરાઈ ત્યારે 17 હજાર વેપારીઓ આ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાયા હતા. જેની સંખ્યા વર્ષ 2024માં ઘટીને માત્ર 609 થઈ ગઈ છે.


આ વર્ષે ચાર મુખ્ય વિસ્તારો ઉપરાંત 14 નાના-મોટા સ્થળો પર આયોજિત શોપિંગ ફેસ્ટિવલના સ્ટોલ, સ્ટેજ, ગેમઝોન, લાઇટિંગ, ડેકોરેશન પાછળ અંદાજે રૂૂ. 16 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. જેની સામે વેપારીઓને કમાણી તો નથી થઈ અને સ્ટોલ બંધ થઈ જતાં સરકાર પણ પોતાનો આ ખર્ચો વસૂલી શકશે કે કેમ તે એક મોટો સવાલ છે.

દિવસે માંડ રૂા.150થી 350ની આવક અને 3500 રૂપિયાનું ભાડું ભરવાનું
સિંધુભવન શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લેનારા એક ફૂડસ્ટોલના વેપારીએ જણાવ્યું હતું કે, નએક સ્ટોલ પર એએમસી લગભગ રૂૂ. 3000-3500 પ્રતિ દિન ભાડું વસૂલી રહી છે. જેની સામે અમારી રોજની સરેરાશ આવક 150-350 છે. ચાલુ દિવસે તો માંડ રૂૂ. 100નો વકરો થાય છે. અમે ભાડું એડવાન્સમાં ચૂકવી દીધું હોવાથી સ્ટોલ પર કમાણી થવાની રાહમાં ઊભા છીએ. જ્યારે અમારા સાથી વેપારીઓએ સ્ટોલ બંધ કરી દીધા છે.થ મળતી માહિતી પ્રમાણે મોટાભાગના સ્ટોલ ધારકો પાસેથી તંત્રએ એડવાન્સ ત્રણ લાખ રૂૂપિયા ભાડું લઈ લીધું છે. પરંતુ વેપારીઓને રોજના ભાડા જેટલી કમાણી પણ થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *