મોબાઇલ ફોન અને લેપટોપની સાથે હેડફોન પણ રોજિંદી જરૂરિયાત બની ગયા છે. લોકો સંગીત સાંભળવા અને કામ કરવા માટે હેડફોન પહેરીને કલાકો વિતાવે છે. જોકે, એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બજારમાં વેચાતા ઘણા હેડફોનમાં એવા કેમિકલો હોય છે જે આરોગ્ય માટે ખતરનાખ સાબિત થિયા શકે છે.
આ રીસર્ચમાં વિવિધ બ્રાન્ડના ઘણા હેડફોનની તપાસ કરવામાં આવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લગભગ બધા હેડફોનમાં પ્લાસ્ટિકને મજબૂત બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલો હોય છે. જો લાંબા સમય સુધી ત્વચાના સંપર્કમાં રહેવામાં આવે તો આ રસાયણો હાનિકારક બની શકે છે.
અહેવાલમાં જણાવાયું છે કે હેડફોન સીધા કાન અને ચહેરાની ત્વચાને સ્પર્શે છે. ગરમી અને પરસેવાને કારણે તેમાં રહેલા કેમિકલો ધીરે-ધીરે શરીરમાં પ્રવેશી શકે છે.
જે લોકો દરરોજ ઘણા કલાકો સુધી હેડફોન પહેરે છે તેઓને વધુ ખતરો થઇ શકે છે. આ ખાસ કરીને બાળકો અને યુવાનો માટે ચિંતાજનક છે જેઓ લાંબા સમય સુધી ઇયરફોન પહેરે છે.
અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ કેમિકલો હોર્મોનલ સમસ્યાઓને વધારી શકે છે. લાંબા ગાળે તેઓ શરીરના સંતુલનને અસર કરી શકે છે. જોકે તાત્કાલિક કોઈ ગંભીર બીમારી થવાની વાત કરવામાં આવી નથી પરંતુ લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી જોખમ વધી શકે છે.
આ સંશોધન યુરોપિયન સંસ્થા ટોક્સફ્રી લાઇફ ફોર ઓલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. 81 પ્રકારના હેડફોનનું પરીક્ષણ કરવામાં આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે લગભગ બધા હેડફોનમાં એવા કેમિકલો હોય છે જે બિનઆરોગ્યપ્રદ માનવામાં આવે છે. આ કેમિકલો ખાસ કરીને BPA અને BPS નામના કેમિકલો હોય છે. આ કેમિકલોનો ઉપયોગ પ્લાસ્ટિકને મજબૂત બનાવવા માટે થાય છે, પરંતુ જો લાંબા સમય સુધી શરીર સાથે સંપર્કમાં રાખવામાં આવે તો તે નુકસાન પહોંચાડી શકે છે.
નિષ્ણાતો કહે છે કે આ કોઈ એક કંપની અથવા સસ્તા હેડફોન માટે વિશિષ્ટ સમસ્યા નથી. આવા રસાયણો ઘણી મોટી બ્રાન્ડના હેડફોનમાં પણ જોવા મળ્યા છે, જેનો અર્થ છે કે આ સમસ્યા સમગ્ર બજારમાં ફેલાયેલી છે. કંપનીઓ હજુ પણ તેમના ઉત્પાદનોમાં કયા કેમિકલોનો ઉપયોગ થાય છે તે અંગે સ્પષ્ટ માહિતી આપતી નથી.
આ અહેવાલ પછી, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદકો માટે તેમના ઉત્પાદનોને વધુ સુરક્ષિત બનાવવાનું વધુ મહત્વનું બની રહ્યું છે. આરોગ્ય સલામતી પણ અવાજની ગુણવત્તા જેટલી જ મહત્વપૂર્ણ છે. વધુમાં, સરકારો અને નિયમનકારી સંસ્થાઓએ આવા ઉત્પાદનોના પરીક્ષણ પર વધુ ધ્યાન આપવું જોઈએ.
વપરાશકર્તાઓ માટે સામાન્ય સલાહ એ છે કે હેડફોનનો વધુ પડતો ઉપયોગ ટાળો. સમયાંતરે તમારા કાનને વિરામ આપો. લાંબા સમય સુધી હેડફોન પહેરતી વખતે કામ કરવાનું અથવા સંગીત સાંભળવાનું ટાળો. જો શક્ય હોય તો, ક્યારેક ક્યારેક સ્પીકર્સનો ઉપયોગ કરો. આ નાની ટેવો લાંબા ગાળે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે.
