ખંભાળિયામાં ઝડપાયેલા નકલી અધિકારી પાસેથી મળી ચોંકાવનારી માહિતીઓ

  ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ચકચારી બની ગયેલા નકલી અધિકારી જીલ પંચમતીયા પ્રકરણમાં અનેકવિધ ચોંકાવનારી વિગતો પોલીસને સાંપળી છે. ત્યારે બે દિવસ પહેલા તેના રિમાન્ડ…

 

ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ચકચારી બની ગયેલા નકલી અધિકારી જીલ પંચમતીયા પ્રકરણમાં અનેકવિધ ચોંકાવનારી વિગતો પોલીસને સાંપળી છે. ત્યારે બે દિવસ પહેલા તેના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરાયો હતો. જ્યાંથી પોલીસે પુન: તેનો કબજો મેળવી અને આજરોજ શનિવારે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાનાર છે.
ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા અને અહીંના જોધપુર ગેઈટ વિસ્તારમાં દુકાન ધરાવતા એક વેપારીના પુત્ર જીલ પંચમતીયાએ એક પૂર્વયોજિત રીતે કૌભાંડ આચરીને ઉચ્ચ અધિકારીઓની હોદ્દાની નેમ પ્લેટ તેમજ ફર્જી ડોક્યુમેન્ટસ, વિવિધ પ્રકારના ઓળખકાર્ડ, નિમણૂક પત્ર, વિગેરે બનાવીને ઠંડા કલેજે વિવિધ પ્રકારના ગુનાઓ આચર્યા હતા.

ત્યારે પોલીસ સમક્ષ આવેલી સિલસિલાબંધ વિગતોમાં સમયાંતરે કુલ આઠ ગુનાઓ તેની સામે દાખલ થયા છે. આટલું જ નહીં, પોલીસે તેને રિમાન્ડ પર લીધા બાદ તેના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાંથી અન્ય ગુના સંદર્ભે પુન: પોલીસે તેનો કબજો મેળવી, વિવિધ બાબતોની જાણકારી મેળવી હતી. આરોપી દ્વારા અનેક યુવાનોને યેનકેન પ્રકારે શીશામાં ઉતારવાની કોશિશ કરવામાં આવી હોવાનું પણ કહેવાય છે.
બે વર્ષ તબીબી અભ્યાસ કરી ચૂકેલા અને ડોક્ટર ન હોવા છતાં પણ ડોક્ટર હોવાનું ચિત્ર ખડું કરનાર જીલ પંચમતીયા દ્વારા કેટલાક સર્ટિફિકેટ અને ડોક્યુમેન્ટ પણ બનાવી આપવામાં આવ્યાનું અને નિમણૂક પત્ર અપાવવા સહિતની બાબતે વિવિધ ખુલાસાઓ પોલીસ સમક્ષ થયા છે. આ વચ્ચે વધુમાં જાણવા મળતી વિગત મુજબ તેની ક્રાઈમ કુંડળી વચ્ચે વધુ કેટલીક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તો પણ નવાઈ નહીં.

આ દરમિયાન પોલીસે તેની અત્રે બેઠક રોડ ઉપર આવેલી ઓફિસ તેમજ રામનાથ સોસાયટીમાં આવેલા મકાનમાં પણ તપાસ કરી હતી. જીલનો જેલમાંથી કબજો મેળવ્યા બાદ આજે શનિવારે અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ તપાસનીસ અધિકારી પી.આઈ. સી.એલ. દેસાઈ દ્વારા તેની રિમાન્ડ તેમજ સધન પૂછતાછ અંગેની કાર્યવાહી હાથ ધરાનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *