ધોરાજી ચોકડી નજીક ઝાડી-ઝાંખરામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળતા ચકચાર

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારથી ધોરાજી ચોકડી તરફ જતાં જૂના બાયપાસ રોડ નજીક આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.…

જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારથી ધોરાજી ચોકડી તરફ જતાં જૂના બાયપાસ રોડ નજીક આજે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અત્યંત શંકાસ્પદ જણાઈ રહી છે, કારણ કે મૃતદેહ રોડની સાઈડમાં આવેલી ઝાડી-ઝાંખરામાં છુપાયેલી હાલતમાં મળી આવ્યો છે.

આ મૃતદેહ સંપૂર્ણપણે કોહવાયેલી હાલતમાં છે, જેના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ શખ્સનું મોત છેલ્લા ઘણા દિવસો પહેલા થયું હશે. લાશ કોહવાઈ ગઈ હોવાને કારણે હાલ પૂરતી મૃતકની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતદેહનો કબજો મેળવ્યો છે. મોતનું કારણ કુદરતી છે, અકસ્માત છે કે પછી કોઈએ હત્યા કરીને લાશને અહીં ફેંકી દીધી છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતદેહની હાલત ઘણી ખરાબ હોવાથી તેનું ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી મોતના ચોક્કસ સમય અને કારણ વિશે જાણી શકાય.

બીજી તરફ, જૂનાગઢ અને આસપાસના વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધાયેલી ગુમશુદાની અરજીઓ સાથે આ વ્યક્તિનું વર્ણન મેળવવાની તજવીજ પણ શરૂૂ કરવામાં આવી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઊંચકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *