લાલપુર નજીક પડાણા ગામે રસ્તા કાંઠેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામ વિસ્તારમાં ગત રાત્રે રસ્તા કાંઠેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. યુવકના માથાના ભાગે…

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામ વિસ્તારમાં ગત રાત્રે રસ્તા કાંઠેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. યુવકના માથાના ભાગે ઇજાના નિશાન જોવા મળતાં પ્રાથમિક તબક્કે હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેના પગલે મેઘપર (પડાણા) પોલીસ સહિત એલસીબીની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.પોલીસને મળેલી માહિતી મુજબ પડાણા ગામની ઘડિયાવાળી સીમ વિસ્તારમાં સબ સ્ટેશન સામે રસ્તા કાંઠે આશરે 25 વર્ષની ઉંમરનો અજાણ્યો યુવક બેભાન હાલતમાં પડેલો મળી આવ્યો હતો. તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના માથામાં ઇજા હોવાથી પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ શરૂૂ કરવામાં આવી હતી.

મોડી રાત્રે સુધી આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા તેમજ અનેક વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક એકાએક પટકાઈ પડ્યો હતો, અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ હત્યાની આશંકા દૂર થઈ હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ આકાશદીપસિંઘ તરીકે થઈ હતી, જે મૂળ પંજાબ રાજ્યના અમૃતસરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા તેની સાથે મજૂરી કામ કરતા અન્ય શ્રમિકોના નિવેદનો પણ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *