રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શાકમાર્કેટમાં થડાના ભાવમાં કરાયેલા તોતીંગ વધારા સામે નાના ધંધાર્થીઓમાં દેકારો બોલી ગયો છે. રોજે રોજનું કમાયને ખાતા શાકભાજીના ધંધાર્થીઓ માટે આ મોટો આર્થિક બોજ છે તેવી હૈયાવરાળ સાથે જ્યુબિલી શાકમાર્કેટ વિભાગ 1 અને 2, ગોવિંદબાગ, હુડકો સહિત પાંચ મોટી શાકમાર્કેટના થડાધારકો મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેનને આવેદન આપીને ભાડા વધારો પાછો ખેંચવા રજૂઆત કરી હતી.
રાજકોટ શાક માર્કેટ વેપારી મંડળે આજે મહાનગરપાલિકા કચેરીએ ધસી આવીને મહાનગરપાલિકા દ્વારા સફાઇ કામગીરી વગર જ સફાઇ ચાર્જમાં રૂૂ.590નો વધારો કરીને રૂૂ. 1180 કરી દેવાતાં અને એક સાથે બાકી રકમ ભરવા દબાણ કરવામાં આવતું હોવાની રજૂઆત મેયર ડો.નેહલ શુકલ અને સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઇ પીપળીયાને આવેદનપત્ર આપીને કરવામાં આવી હતી. રાજકોટની મુખ્ય પાંચ શાક માર્કેટ ભોજાભગત, જ્યુબીલી ભાગ -1 અને 2, ગોવિંદબાગ અને હુડકો શાક માર્કેટમાં કુલ 726 થડા ધરાવતાં વેપારીઓએ શાક માર્કેટ વેપારી મંડળના નેજા હેઠળ રજુઆત કરી હતી કે, મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ 2025થી અમલી બનાવવામાં આવેલા રૂૂ.590ના વધારા સાથે થડાદીઠ રૂૂ.1180નો સફાઇ ચાર્જ એક સાથે વસુલવા માટે કરવામા આવેલો આદેશ અન્યાયી છે.
આ સફાઇ કરમાં વધારા અંગેનો નિયમ 2025માં અમલમાં આવી ગયા છતાં તેની જાણકારી જાન્યુઆરી-2026માં આપવામાં આવી છે. આ માટે કોઇ પુર્વ જાણકારી કે પુર્વ નોટિસ વગર જ એક સાથે બાકી રકમ ભરવા વહિવટીતંત્ર દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે.
શહેરની મોટાભાગની માર્કેટોમાં સમારકામ કે રિનોવેશનની જરૂૂરિયાત છે. અને આ માટેની ગ્રાન્ટ મંજૂર થઇ ગયા છતાં ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરવામા આવી નથી. આ ઉપરાંત માર્કેટ આસપાસ વધતાં જતાં ફેરીયાઓના ગેરકાયદે દબાણો અને પ્રોપર ઝોન વાઇઝ નીતિના અભાવે કાયદેસરના થડા ધારકોનો રોજગાર ચોપટ થઇ ગયો છે. ત્યારે સફાઇ ચાર્જમાં કરાયેલો વધારો તુરંત પાછો ખેંચવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
