વરસાદની અછતથી ઘાસચારાની કારમી તંગી, પશુધન સામે ગંભીર સંકટ

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ઘાસચારાની અછતની પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગૌશાળા, પાંજરાપોળ અને પશુપાલકો માટે પશુઓને પૂરતો સૂકો ઘાસચારો…

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ઘાસચારાની અછતની પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગૌશાળા, પાંજરાપોળ અને પશુપાલકો માટે પશુઓને પૂરતો સૂકો ઘાસચારો અને પાલો ઉપલબ્ધ કરાવવો મુશ્કેલ બની રહ્યો છે. ઘાસચારાની અછત સાથે તેના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો હોવાના કારણે પશુઓની સેવા કરતી સંસ્થાઓ પર આર્થિક ભાર સતત વધી રહ્યો છે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટમાં ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો તેમજ જીવદયાપ્રેમીઓ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી પશુઓ માટે તાત્કાલિક ઘાસચારાની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે દ્વારકા, પોરબંદર અને કચ્છ જેવા વિસ્તારોમાંથી રાજકોટ સહિતના વિસ્તારોમાં સૂકો ઘાસ અને પાલો પહોંચે છે. જોકે હાલની પરિસ્થિતિમાં આ વિસ્તારોમાં પણ ઘાસની ઉપલબ્ધતા ઘટી રહી છે. કચ્છમાંથી રાજકોટ તરફ આવતો સૂકો ઘાસ તથા પોરબંદર તરફથી આવતો પાલો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાની સ્થિતિ છે. દ્વારકા અને જામખંભાળિયા વિસ્તારમાં પણ પાલાની અછત જોવા મળી રહી છે. પરિણામે રાજકોટની ગૌશાળાઓ અને પાંજરાપોળોને જરૂૂરી જથ્થામાં ઘાસચારો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રિત મૂંગા પશુઓ માટે ઘાસચારો સૌથી મૂળભૂત જરૂૂરિયાત છે. વરસાદ ખેંચાતા સ્થાનિક સ્તરે ઘાસનું ઉત્પાદન ઓછું થયું છે અને બહારથી ઘાસ મંગાવવાની ફરજ પડી રહી છે.

બીજી તરફ પરિવહન ખર્ચ અને વધતા બજારભાવના કારણે સંસ્થાઓ માટે દરરોજ મોટી માત્રામાં ઘાસચારો ખરીદવો મુશ્કેલ બની રહ્યો છે. ગૌશાળાઓ સંચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સૂકા ઘાસચારાના ભાવમાં અંદાજે ત્રણ ગણો વધારો થયો છે, જેના કારણે પશુઓની નિભાવ વ્યવસ્થા વધુ પડકારજનક બની છે. હાલમાં સૂકા ઘાસચારાના ભાવમાં થયેલા વધારાને કારણે ગૌશાળા અને પાંજરાપોળોની મુશ્કેલી વધી છે. એક તરફ ઘાસની ઉપલબ્ધતા ઘટી રહી છે અને બીજી તરફ ઊંચા ભાવે પણ પૂરતી માત્રામાં યોગ્ય ગુણવત્તાનો ઘાસચારો મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. આવી સ્થિતિમાં ગૌશાળાઓ માટે પશુઓની દૈનિક જરૂૂરિયાત પૂરી કરવી સતત આર્થિક પડકાર બની રહી છે.

આ સાથે સરકાર દ્વારા ગૌશાળાઓને આપવામાં આવતી પ્રતિ પશુ દૈનિક ₹30ની સહાય હાલના ઘાસચારાના ભાવ અને પશુ નિભાવના વધેલા ખર્ચની સરખામણીએ અપૂરતી હોવાનો દાવો છે. ઘાસચારો, પાણી, પશુચિકિત્સા, દવાઓ, વીજળી, કર્મચારીઓ અને અન્ય દૈનિક ખર્ચને ધ્યાનમાં રાખીને પશુદીઠ મળતી સહાયમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પાંજરાપોળો અને ગૌશાળાઓ દ્વારા મોટી સંખ્યામાં પશુઓની સેવા અને જાળવણી કરવામાં આવે છે. સરકારનું મોટું સામાજિક દાયિત્વ આ સંસ્થાઓ પોતાના સ્તરે નિભાવી રહી હોવાથી માન્ય પાંજરાપોળો અને ગૌશાળાઓમાં આશ્રય પામેલા દરેક પશુ માટે ₹100 પ્રતિદિન નિભાવ સહાય તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સહાય માત્ર સંસ્થાને આપવામાં આવતી આર્થિક મદદ નહીં, પરંતુ એક જીવને ઘાસ, પાણી અને જરૂૂરી સંભાળ પૂરી પાડી તેને ભૂખથી બચાવવાની સહાય તરીકે જોવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

આ માટે રાજ્યના 18,114 ગામોને સક્રિય કરીને પ્રતિ ગામ ₹1 કરોડનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિક જરૂૂરિયાત અને પરિસ્થિતિ પ્રમાણે આ રકમનો ઉપયોગ પાણી સંગ્રહ, ગૌચર વિકાસ, ઘાસચારા ઉત્પાદન અને પશુધન માટેની કાયમી વ્યવસ્થા ઊભી કરવા માટે કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *