ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નં. 08 વિસ્તારમાં હાલમાં ચાલી રહેલા ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ (GUDC)ના વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો અને નિયમોનો ભંગ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે વોર્ડના જાગૃત સદસ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણભાઈ ભોપાળાએ મેનેજિંગ ડિરેક્ટર (GUDC, ગાંધીનગર) અને ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી છે. ઉપલેટા નગરપાલિકાના સદસ્ય લખમણભાઈ ભોપાળાએ જણાવ્યું હતું કે, જ્યારે પણ સાઈટ પર અધિકારીઓ પાસે કામના ટેન્ડરની શરતો, વર્ક ઓર્ડર કે મટીરીયલ ટેસ્ટિંગના રિપોર્ટ્સ માંગવામાં આવે છે, ત્યારે તે ઉપલબ્ધ ન હોવાનું રટણ કરવામાં આવે છે. ચૂંટાયેલા લોક પ્રતિનિધિને દસ્તાવેજો ન બતાવવા તે “રાઈટ ટુ ઈન્ફર્મેશન” અને પારદર્શિતાના નિયમોનો સીધો ભંગ છે.
જાહેર બાંધકામ વિભાગ (RB) ની ગાઈડલાઈન મુજબ ખોદકામ વાળી જગ્યાએ બેરિકેટ્સ, સાઈન બોર્ડ કે ડાયવર્ઝન બોર્ડ લગાવવા ફરજિયાત હોવા છતાં, અહીં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે રાહદારીઓ અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી પડી રહી છે.
આ બાબતમાં માંગ કરવામાં આવી છે કે, ઉચ્ચ કક્ષાએથી તપાસ ન થાય ત્યાં સુધી આ કામ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે, નાગરિકોની સુરક્ષા માટે ખોદેલા ખાડાઓ તાત્કાલિક બુરવામાં (Refill) આવે, ગુણવત્તાની ચકાસણી ન થાય ત્યાં સુધી એજન્સીનું કોઈપણ રનિંગ કે ફાઈનલ બિલ મંજૂર કરવામાં ન આવે તેમજ ટેન્ડર અને વર્ક ઓર્ડરની નકલ લેખિતમાં આપવામાં આવે તેવી માંગ કરી છે.
આ બાબતમાં અંતમાં લખમણભાઈ ભોપાળાએ તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો આગામી સમયમાં યોગ્ય વહીવટી કાર્યવાહી કરવામાં નહીં આવે, તો તેઓ ગાંધીનગર વિજિલન્સ કમિશનમાં ફરિયાદ કરશે અને જરૂૂર પડ્યે નામદાર હાઈકોર્ટમાં ભ્રષ્ટાચાર સહિતની બાબતોને લઈને જાહેર હિતની અરજી (PIL) દાખલ કરશે તેઓ જણાવ્યું છે.
