અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદરનો નિર્ણય આવતી કાલે જાહેર થવાનો છે જેના પગલે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. સાથે નિફ્ટીમાં પણ આશરે 365 પોઈન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત રૂપિયો પણ સતત ઘસાઈને ડોલર સામે 84.92ના નવા તળિયે પહોંચી ગયો હતો.
ગઈકાલે ઘટાડા બાદ 81,748ના બંધ સામે આજે સેન્સેક્સ 81,511 પર ખુલ્યો હતો. પરંતુ સતત વેચવાલીના પગલે સેન્સેક્સમાં બપોરે ત્રણ વાગ્યાના આસપાસ ભારે ઘટાડો થઈને 1136 પોઈન્ટનો કડાકો થઈ જતાં સેન્સેક્સ 81 હજારની સપાટી તોડી 80,612 પર ટ્રેડ થયો હતો. નિફ્ટી ગઈકાલના 24,668ના બંધ સામે 84 પોઈન્ટ ઘટીને 24584 પર ખુલી હતી. ભારે વેચવાલીથી નિફ્ટીમાં 365 પોઈન્ટનો કડાકો બોલી જતાં 24,303ના દિવસના લો પર ટ્રેડ થઈ હતી.
બ્લુ સ્ટાર, ભારત ડાયનેમિક, શ્રીરામ ફાઇનાન્સના શેર 2 ટકાથી વધુ તૂટ્યા છે.પિડિલાઇટ, એલ એન્ડ ટી ફાઇનાન્સ, મેક્સ ફાઇનાન્સ સર્વિસિસ, રેમન્ડ અને આઇટીઆઇના શેરમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય ગ્રેસિમ ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વેદાંતાના શેરમાં પણ 1 ટકાનો ઘટાડો થયો હતો.
આ સપ્તાહના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ બેન્ક તરફથી વ્યાજ દર અને ફુગાવા અંગે નિર્ણય લેવામાં આવશે. જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી. બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં ટઈંડમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.