11 મહિનામાં અધધ રૂા.70.79 કરોડનો દંડ ફટકારાયો, વસુલાત ફક્ત 10.83 ટકા
ટ્રાફિક નિયમોના ભંગમા અમદાવાદ બાદ બીજા નંબરે રાજકોટવાસીઓ આવી રહ્યા છે. રાજકોટની વાત કરવામાં આવે તો છેલ્લા એક દાયકાથી રાજકોટમાં ટ્રાફિક નિયમોનું ચૂસ્ત પણે પાલન થાય તે માટે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા મારફતે નિયમ ભંગ કરનાર વાહનચાલકોને ઈ-મેમો આપી દંડ ફટકારે છે તેમ છતાં રાજકોટવાસીઓ હમ નહીં સુધરેંગેનું વર્તન કરી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે. રાજકોટ આરટીઓમાં રજિસ્ટ્રેશન મુજબ શહેરમાં કુલ 18 લાખ વાહનચાલકો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેર પોલીસના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે જાન્યુઆરી 2024થી નવેમ્બર 2024 એટલે કે 11 મહિના સુધીમાં કુલ 4,83,795 લાખ ઇ-ચલણ મારફતે રૂૂપિયા 70,79,11,200 નો દંડ રાજકોટવાસીઓને ફટકારવામાં આવ્યો છે. જેની સામે માત્ર 1,56,300 ઇ-ચલણની 7,67,00,289 દંડની રકમ ભરપાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. એટલે કે હજુ પણ રાજકોટ પોલીસને 3,27,495 ઇ-ચલણના રૂૂપિયા 63 કરોડથી વધુની રકમ વસૂલાત કરવાની બાકી છે.
રાજકોટ પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમનું પાલન કરાવવા માટે અલગ અલગ 10 જેટલા નિયમો ઉપર મુખ્યત્વે ધ્યાન આપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, બ્લેક ફિલ્મ, રેડ લાઈટ સિગ્નલ ક્રોસિંગ, ચાલુ વાહને ફોન પર વાત કરનાર, હેલ્મેટ વગર વાહન ચલાવનાર, રોંગ સાઇડ વાહન ચલાવનાર, ટુ વ્હીલરમાં બે કરતા વધુ લોકો જતા હોય તો, ઓવર સ્પીડ અને ફેન્સી નંબર પ્લેટ રાખનાર સામે 100થી લઇને 500, 1000, 2000 અને 3000 સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
રાજકોટ આરટીઓ દ્વારા પણ દર મહિને ટ્રાફિક નિયમો બાબતે કડક કાર્યવાહી કરી હજારો કેસ સામે લાખોનો દંડ ફટકારવા છતાં પણ વાહનચાલકો હમ નહીં સુધરેંગે જેવા વલણ સાથે ફરતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. નવેમ્બર મહિનામાં પણ આરટીઓ દ્વારા નિયમભંગ વિરૂૂદ્ધ કાર્યવાહી કરી કુલ 1,107 કરે કરીને રૂૂપિયા 37.17 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આટીઓ દ્વારા નવેમ્બર મહિના દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી વધુ કેસની સંખ્યામાં વ્હાઈટ લાઈટ, એલઇડી લાઈટ અને રોંગ લેન ડ્રાઈવિંગ ચેકિંગમાં સૌથી વધુ 308 વાહનચાલકોને રૂૂવપિયા 3,08,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
તો બીજી તરફ સૌથી વધુ દંડમાં નિર્ધારિત વજન કરતા વધુ વજન ભરીને જતા 145 ઓવર લોડ વાહનોને રૂૂપિયા 17,81,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે હેલમેટ અને સીટબેલ્ટ વગર વાહન ચલાવનાર ચાલકો સામે 204 કેસ કરી રૂૂપિયા 1,85,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આરટીઓ દ્વારા કુલ 10થી વધુ પ્રકારે વાહન નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીને કુલ 1,101 કેસ કરી રૂૂપિયા 37,17,142નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
CCTVની 2.58 લાખ ઇ-ચલણ અને ટ્રાફિક એપ્લિકેશનથી રૂા.12.55 કરોડના મેમો ફટકારાયા
રાજકોટ પોલીસ દ્વારા 11 મહિનામાં કુલ 4.83 લાખથી વધુ વાહનચાલકોને રૂપિયા 70.79 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતેના સીસીટીવી મારફત રૂપિયા 23,80,08,800 કિંમતના 2,58,311 ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી એપ્લિકેશન મારફત રૂપિયા 12,55,93,850 કિંમતના 2,38,293 મેમા ઇશ્યૂ કરવામાં આવ્યા છે અને પોલીસ સ્ટેશન મારફત કરવામાં આવેલા વાહન ચેકિંગ કામગીરીમાં રૂપિયા 48,08,550 કિંમતના કુલ 7,198 ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યા છે.
