આજે સેન્સેક્સમાં 1344 અને નિફ્ટી 414 અંકનો ઘટાડો
પાંચ દિવસમાં રોકાણકારોએ 20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા, સેન્સેક્સ 78000 અને નિફ્ટી 23600ના લેવલની અંદર
શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડો નોંધાતા એક અઠવાડિયામાં સેન્સેક્સમાં 4000થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ રોકાણકારોની સંપતિમાં અઠવાડિયામાં 20 લાખ કરોડ જેટલુ ગાબડુ નોંધાયું છે. બુધવારે અમેરિકાના વ્યાજદરમાં ઘટાડા કરવાના નિર્ણય પહેલા અને પછી ભારતીય શેરબજારમાં સતત ઘટાડો ચાલુ રહ્યો છે. સેન્સેક્સે અગત્યની 78 હજારની સપાટી ગુમાવી દીધી છે.
આ સપ્તાહની શરૂઆતથી જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે વેચવાલી જોવા મળી હતી. પાંચ દિવસમાં સેન્સેક્સ 82 હજારના લેવલથી ઘટીને 77,874 સુધી પહોંચી ગયો છે.
સેન્સેક્સ આજે ગઈકાલના 79, 218ના લેવલ સામે આજે સામાન્ય વધીને 79335 પર ખુલ્યો હતો. બપોરે 12 વાગ્યા સુધી ફ્લેટ ટ્રેડીંગ જોવા મળ્યા બાદ ભારે વેચવાલીથી સેન્સેક્સમાં બપોરે 3:15 કલાકે 1344 પોઈન્ટનો ઘટાડો થતાં 77,874 સુધી ટ્રેડ થયો હતો. નિફ્ટીમાં પણ ભારે વેચવાલીથી આજે 350થી વધુ પોઈન્ટનું ગાબડુ નોંધાયું હતું. નિફ્ટી છેલ્લા પાંચ દિવસમાં 1100થી વધુ પોઈન્ તુટી ગઈ છે. ગઈકાલે 23,951ના લેવલ પર બંધ થયેલ નિફ્ટી આજે 414 પોઈન્ટ તુટીને 23,537 પર ટ્રેડ થઈ હતી. આજે આઈટી અને રિયલ્ટી શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે ટ્રેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, એલન્ટી, એક્સિબેંક વગેરે મોટાપાયે તુટ્યા હતાં આ સાથે જ ભારતની અગ્રણીય કંપની ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ 52 વિકના તળિયે ટ્રેડ થઈ હતી.
આજના ઘટાડાના કારણમાં જોઈએ તો ભારતની આઈટી ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં અમેરિકાના વ્યાજદરના નિર્ણયની વ્યાપક અસર જોવા મળી છે. આ ઉપરાંત વિદેશી વેચાણકારોએ આશરે 12,229 કરોડની વેચવાલી આ અઠવાડિયામાં કરી છે. જેને લીધે મુખ્યત્વે આઈટી ઈન્ડેક્સમાં અઢી ટકા કરતા વધારે ઘટાડો જોવા મળ્યો હતો. આઈટી આજે હેવી વેટ શેરો ટીસીએસ, ઈન્ફોસીસ એન વિપ્રોમાં બે થી ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત બેન્ક નિફ્ટી, પીએસયુ બેંક, ઓટો, રિયલ્ટી વગેરે સેક્ટરમાં પણ હેવી વેટ શેરોમાં બે ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત પ્રાઈવેટ સેકટરની બેંક એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેંકમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી.
