સરકારના કાયમી થયેલા રોજમદારોને વાર્ષિક પગાર વધારો મળશે

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મોટો ઝટકો આપતો એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે દૈનિક વેતનના કુશળ કામદારોને…

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મોટો ઝટકો આપતો એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે દૈનિક વેતનના કુશળ કામદારોને સરકારી ઠરાવ હેઠળ કાયમી કર્મચારી ગણવામાં આવ્યા હતા અને નિયમિત પગારધોરણ તથા નિવૃત્તિના તમામ લાભો આપવામાં આવ્યા હતા.તેમને માત્ર એટલા જ કારણસર નિવૃત્તિ પછી મળવાપાત્ર વાર્ષિક ઈન્ક્રીમેન્ટથી વંચિત રાખી શકાય નહીં કે તેઓ મૂળ રૂૂપે દૈનિક વેતનદાર તરીકે જોડાયા હતા.જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચનો નિર્ણય ફગાવી દીધો છે અને ગુજરાત સરકારની તે દલીલને રદ કરી દીધી છે કે દૈનિક વેતનદારોમાંથી કાયમી બનેલા કર્મચારીઓ ઈન્ક્રીમેન્ટ મેળવવા માટે હકદાર નથી.

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના તા.17/10/1988ના ઠરાવને માન્ય રાખ્યો છે.જેના હેઠળ 10 વર્ષની નિર્ધારિત સેવા પૂરી કરનાર દૈનિક વેતનના કુશળ કામદારોને કાયમી કર્મચારી તરીકે સ્વીકારવામાં આવ્યા હતા અને તેમને નિયમિત પગારધોરણ,ભથ્થાં, પેન્શન તથા અન્ય નિવૃત્તિના લાભો મળવાપાત્ર ઠરાવવામાં આવ્યા હતા. અપીલકર્તાઓએ ગુજરાત સિંચાઈ વિભાગમાં 30 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી હતી અને જુદી જુદી સાલમાં 30 જૂનના રોજ નિવૃત્ત થયા હતા.તેમનો મુખ્ય વિવાદ નિવૃત્તિની તારીખ પછી તરત જ 1 જુલાઈએ મળવાપાત્ર વાર્ષિક ઈન્ક્રીમેન્ટને લઈને હતો.અગાઉ સિંગલ બેન્ચે સુપ્રીમ કોર્ટના ‘સી.પી.મુન્દ્રીનામાની’ કેસના ચુકાદાને આધારે કર્મચારીઓની તરફેણમાં હુકમ કર્યો હતો.

રાજ્ય સરકારે ડિવિઝન બેન્ચમાં પ્રથમ વખત એવી દલીલ કરી હતી કે તેઓ મૂળ ડેઈલી વેજી હોવાથી આ લાભ ન મેળવી શકે,જેને ડિવિઝન બેન્ચે સ્વીકારીને સિંગલ બેન્ચનો ઓર્ડર રદ કર્યો હતો.આથી કર્મચારીઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.સુપ્રીમ કોર્ટે અગાઉના ચુકાદાઓનો સંદર્ભ આપીને સ્પષ્ટ કર્યું કે 30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓ પેન્શનના હેતુ માટે વાર્ષિક ઈન્ક્રીમેન્ટના હકદાર છે.

વધુમાં,ફેબ્રુઆરી 2025ના એમ.સિદ્ધરાજ કેસના આદેશની સુધારેલી ક્લોઝ મુજબ,જે કર્મચારીઓએ અદાલતમાં રિટ પિટિશન દાખલ કરી હોય તેમને અરજી દાખલ કર્યાના મહિના પહેલાંના 3 વર્ષના સમયગાળા માટે એક ઈન્ક્રીમેન્ટ ઉમેરીને વધેલું પેન્શન મળવાપાત્ર બને છે.અપીલકર્તાઓએ વર્ષ 2022માં જ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હોવાથી તેઓ આ લાભ માટે સંપૂર્ણપણે હકદાર થયા છે.સુપ્રીમ કોર્ટે સત્તાવાળાઓને 30 દિવસમાં આ નાણાકીય રકમ ચૂકવી દેવાનો આદેશ આપ્યો છે.જો સમયમર્યાદામાં ચૂકવણી નહીં થાય તો ડિસ્ક્રિપ્શન તારીખથી 6 ટકા વ્યાજ વસૂલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *