રાજ્યના પાંચ મોટા શહેરોને જોડવાનું આયોજન, આરઆરટીએસ માટે ગુજરાત મેટ્રોરેલ અને રેલવે મંત્રાલય વચ્ચે ચર્ચા શરૂ
ગુજરાત સરકાર રાજ્યના મુખ્ય શહેરો અને તેમની આસપાસના વિકસતા સેટેલાઈટ ટાઉન્સ વચ્ચેના પરિવહનને વધુ ઝડપી અને સુલભ બનાવવા માટે એક ક્રાંતિકારી યોજના પર કામ કરી રહી છે. રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) હેઠળ રાજ્યના પાંચ મહત્વના સેટેલાઈટ શહેરોને મોટા મહાનગરો સાથે જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રોડ માર્ગે થતા ટ્રાફિકને ઘટાડવો અને મુસાફરોને સેમી-હાઈ સ્પીડ ટ્રેનનો અનુભવ પૂરો પાડવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ, વડોદરા અને ખાસ કરીને સૌરાષ્ટ્રના આર્થિક હબ ગણાતા રાજકોટને અત્યાધુનિક રેલવે નેટવર્કથી સજ્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માત્ર શહેરો વચ્ચેનું અંતર જ નહીં ઘટાડે, પરંતુ તેની સાથે સંકળાયેલા ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રોને પણ નવી ગતિ પ્રદાન કરશે તેવી પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને રાજકોટ શહેર વચ્ચેની કનેક્ટિવિટી આ સમગ્ર પ્રોજેક્ટનું કેન્દ્રબિંદુ બની રહેશે, જેનાથી વિદેશી રોકાણકારો અને મુસાફરો માટે પરિવહન અત્યંત સરળ બની જશે.
રાજકોટ માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂૂપ સાબિત થવાનો છે, કારણ કે તેમાં હીરાસર ખાતે નિર્મિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટને રાજકોટ શહેર સાથે સીધું RRTS દ્વારા જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં રાજકોટ શહેરથી હીરાસર એરપોર્ટ સુધી પહોંચવા માટે સડક માર્ગે ખાસ્સો સમય લાગે છે, પરંતુ આ હાઈ-સ્પીડ કનેક્ટિવિટીના કારણે મુસાફરો માત્ર મિનિટોમાં એરપોર્ટ પહોંચી શકશે. હીરાસર એરપોર્ટ સૌરાષ્ટ્રનું સૌથી મોટું પ્રવેશદ્વાર બનવા જઈ રહ્યું છે, ત્યારે તેની સાથેનું આ રેલ જોડાણ રાજકોટના વેપાર-ઉદ્યોગ, ખાસ કરીને એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ સેક્ટરને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ નવી રેલવે લાઈન હીરાસરની આસપાસના વિસ્તારોમાં રિયલ એસ્ટેટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ તેજી લાવશે, જેના કારણે આગામી વર્ષોમાં રાજકોટનો વિસ્તાર અને વિકાસ બંનેમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળશે.
આ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) અને રેલવે મંત્રાલય વચ્ચે સંકલન સાધવામાં આવી રહ્યું છે. RRTSની વિશેષતા એ છે કે તે મેટ્રો ટ્રેન કરતા વધુ ઝડપી અને પરંપરાગત ટ્રેન કરતા વધુ આધુનિક હશે. આ ટ્રેનો કલાકે 160 કિમી સુધીની ઝડપે દોડવા માટે સક્ષમ હશે, જે અમદાવાદ-ગાંધીનગર, અમદાવાદ-ધોલેરા અને રાજકોટ-હીરાસર જેવા રૂૂટ પર પરિવહનની ક્રાંતિ લાવશે. સરકારના આયોજન મુજબ, આ પાંચ સેટેલાઈટ ટાઉન્સમાં એવા વિસ્તારોને પસંદ કરવામાં આવ્યા છે જ્યાં ભવિષ્યમાં વસ્તીનું ભારણ વધવાનું છે.
હીરાસર અને રાજકોટની કનેક્ટિવિટીને અગ્રતા આપવાનું બીજું કારણ એ પણ છે કે હીરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થવાથી માત્ર રાજકોટ જ નહીં, પણ જામનગર, મોરબી અને જૂનાગઢના મુસાફરો પણ આ સેવાનો લાભ લેશે, જેમના માટે રાજકોટથી હીરાસર સુધીની ઝડપી મુસાફરી અનિવાર્ય બની રહેશે.
આર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો, આ RRTS પ્રોજેક્ટ ગુજરાતના ’ગોલ્ડન કોરિડોર’ને વધુ મજબૂત બનાવશે. હીરાસર એરપોર્ટ સાથેનું હાઈ-સ્પીડ જોડાણ રાજકોટને એક લોજિસ્ટિક હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. રાજકોટના ઉદ્યોગપતિઓ લાંબા સમયથી એરપોર્ટ સુધીની સરળ પહોંચની માંગ કરી રહ્યા હતા, જે હવે આ પ્રોજેક્ટ દ્વારા પૂર્ણ થતી જણાય છે. વધુમાં, આ પ્રોજેક્ટના કારણે પર્યાવરણને પણ ફાયદો થશે, કારણ કે વધુમાં વધુ લોકો ખાનગી વાહનો છોડીને ઇલેક્ટ્રિક પાવર પર ચાલતી આ હાઈ-સ્પીડ ટ્રેનોનો ઉપયોગ કરશે, જેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.
રાજકોટ-હિરાસર વચ્ચે હાઇવેનું કામ કયારે પૂરુ થશે?
રાજકોટની ભાગોળે હિરાસર ખાતે નવુ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવાયુ છે. પરંતુ હજૂ સુધી ઇન્ટરનેશનલ ફલાઇટ ઉડી નથી તેમજ એરપોર્ટ અને રાજકોટને જોડતા સિકસલેન હાઇવેનુ કામ પાંચ વર્ષથી ગોકળ ગાયની ગતીએ ચાલી રહ્યુ હોવાથી કુવાડવા નજીક ભયંકર ટ્રાફિક જામ થાય છે. ત્યારે સૌ પ્રથમ આ હાઇવેનુ કામ ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે. સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેકટ તો હજૂ સ્વપ્નુ છે. પરંતુ જમીની માર્ગે જ હક્કિત છે તે સ્વીકારવી રહી. રાજકોટ-હિરાસર વચ્ચે હાઇવેનુ કામ તાત્કાલીક પૂર્ણ થાય તો પણ મુસાફરોને ઘણી રાહત થશેે. આ કામ કયારે પુરુ થશે તેનો સરકાર પણ સ્પષ્ટ જવાબ આપી શકતી નથી.
