સરકારી જમીન પરના દબાણકારોને નોટિસો આપવા કલેકટરતંત્રએ પોલીસ બંદોબસ્ત હેઠળ ટુકડીઓ ઉતારી
દબાણકારોએ સિવિલ કોર્ટમાં નાખેલી ઘા, 20 હજાર લોકોનો આશરો છીનવતાં પહેલા પૂનર્વસનની માંગ
રાજકોટ શહેરનાં નવા થોરાળા નજીક આજી નદીના કાંઠે જંગલેશ્ર્વર સહિતનાં વિસ્તારોમાં એક લાખથી વધુ ચોરસ મીટર સરકારી જમીન ઉપર વર્ષોથી ઉભેલા ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે આજે કલેકટર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કલમ 202 હેઠળ નોટિસો આપવાનું શરૂ કરવામાં આવતાં રહેવાસીઓમાં ચિંતા સાથે ભારે દેકારો મચી જવા પામેલ છે.
જંગલેશ્ર્વર અને તેની આસપાસનાં આજી નદી કાંઠાના વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન ઉપર કુલ 1358 અને મહાનગરપાલિકાની જમીન ઉપર કુલ 992 જેટલા ગેરકાયદે દબાણો છે. કુલ 2350 જેટલા પરિવારો છેલ્લા 30-40 વર્ષથી આ જમીન ઉપર રહે છે ત્યારે હવે આજી રિવરપ્રન્ટ યોજના માટે આદબાણકારોને દબાણો દૂર કરવા નોટિસો અપાતા વીસેક હજાર લોકો ઘરબાર વગરના થઈ જાય તેવી સ્થિતિ છે.
કલેકટર હસ્તકની સરકારી જમીનમાં ઉભેલા જંગલેશ્ર્વર, હરીજનવાસ, રાધાકૃષ્ણ નગર, બુધ્ધનગર, આહીરવાસ, નાડોદાવાસ સહિતના વિસ્તારોમાં વસતા 1358 દબાણકારોને અગાઉ નોટિસો આપી જમીનના આધાર પુરાવાની ચકાસણઈ કરવામાં આવી હતી અને તમામ દબાણકારે વેરાબિલ તથા લાઈટ બિલ સિવાયના જમીનના આધારો રજુ નહીં કરી શકતા કલેકટર તંત્ર દ્વારા હવે કલમ 202 મુજબ સરકારી જમીનોમાંથી દબાણો હટાવી લેવા નોટિસો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે આજે સવારથી પોલીસ બંદોબસ્ત હેઠળ ટીમો ઉતારવામાં આવી છે અને દબાણકારોને હાથોહાથ કલમ 202ની નોટિસો આપવામાં આવી રહી છે.
બીજી તરફ આ નોટિસોને આજે દબાણકારોએ સિવિલ કોર્ટમાં પડકારી છે અને છેલ્લા છ દાયકાથી આ વિસ્તારોમાં સરકારી જમીન ઉપર રહેતા લોકોને વૈકલ્પીક જગ્યા આપવા અને ત્યારબાદ જ દબાણો હટાવવા દાદ માંગી છે.આ દબાણકારોએ અગાઉ હાઈકોર્ટમાં દાદ માંગી હતી. પરંતુ હાઈકોર્ટ પ્રથમ સ્થાનિક કોર્ટમાં જવા જણાવતાં હાઈકોર્ટમાંથી પીટીશન પાછી ખેંચી રાજકોટ સિવિલ કોર્ટમાં દાદ માંગી છે.
65 ટકા હિંદુ, 35 ટકા મુસ્લિમ પરિવારો
‘રાજકોટના જંગલેશ્ર્વર સોસાયટી, હરીજનવાસ, રાધાકૃષ્ણનગર, બુધ્ધનગર, આહીર વાસ અને નાડોદા સહિતનાં વિસ્તારોમાં છેલ્લા 6 દાયકા (60 વર્ષ)થી વધુ સમયથી આશરે 4,000 પરિવારો વસવાટ કરી રહ્યાં છે. પેઢીઓથી અહિં રહેતાં 20,000 થીવધુ નાગરિકોના રહેણાંક અને અસ્તિત્વ પર હાલ તોળાતા જોખમ સામે રહેવાસીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
