માંગરોળ-4, જોડિયા, જૂનાગઢ-3॥, ગોંડલ, જામજોધપુર, સિહોર-2॥, ભાણવડ, કેશોદ -1॥ ઇંચ વરસ્યો
વરાપ બાદ ધીમી ધારે કાચા સોના જેવા વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેથી છેલ્લા 24 કલાકથી રાજ્યના 141 તાલુકાઓમાં હળવો ભારે વારસાદ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 4 ઇંચ જેટલો નોંધાયો તેમજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં 3.॥ વરસાદ પડ્યો છે. આ ઉપરાંતગોંડલ, જામજોધપુર સિહોર 2॥ ઇંચ, ભાણવડ, કેશોદ 1॥ ઇંચ અને અનેક તાલુકાઓમાં 0॥થી 1 ઇંચ જેટલો ધીમીધારે વરસાદ પડ્યો હતો. તેમજ વલસાડના વાપી, કચ્છના ભચાઉ, રાજકોટના ગોંડલ, નવસારીના જલાલપોર, અને સુરત સિટી જેવા વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. વરાપ બાદ ધીમીધારે કાચા સોના રૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને સારો પાક થવાની આશા ખેડૂતો દ્વારા વ્યકત કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં નોંધપ્રાત વરસાદ વરસી ગયો છે. જેમાં ગઇકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં મેઘરાજાએ શહેર અને જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. માંગરોળમાં સાડા ત્રણ ઈંચ. કેશોદમાં સવા ઇંચ, જૂનાગઢમાં સવા ઇંચ, વંથલીમાં એક ઇંચ, મેંદરડામાં એક ઇંચ, વિસાવદરમાં પણ વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત પર પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે જૂનાગઢમાં સીઝનાનો 50 ટકા આસપાસ વરસાદ વરસી ગયો છે.વરસતા વરસાદને લઈને હાલ ધરતીપુત્રો ખુશ ખુશાલ છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે. ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વંથલી અને માણાવદરમાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 50 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે.
ભાવનગર જિલ્લાના શિહોરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે વલભીપુરમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. દરમિયાન ગઈકાલે બપોરે અને સાંજે જિલ્લાના સિહોરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે .ઉમરાળામાં વરસાદી ઝાપટું વરસી ગયું હતું. આજેસોમવારે સવારે છ વાગે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના શિહોરમાં 42 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે ઉમરાળામાં 2 મી.મી . અને વલભીપુરમાં 11 મી.મી.વરસાદ નોંધાયો છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 33.7 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 61% રહ્યું હતું અને પવનની ઝડપ 10 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.
ઉપલેટા છેલ્લા 15 થી 20 દિવસ ના વરસાદી આરામ બાદ આજે બપોરના ત્રણ કલાકથી વરસાદ શરૂૂ થયેલ હતો જે જોત જોતા માં પાંચ વાગ્યા સુધીમાં લગભગ 3 ઇંચ જેવું પાણી વરસી ગયું છે વરસાદના પગલે સમગ્ર શહેરમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવેલ હતો એકાએક વીજ પુરવઠો બંધ થતાં અને વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તાઓ તેમજ બજારો સુમસામ દેખાઈ રહી હતી તો બીજી તરફ વરસાદના પગલે લાંબા સમય બાદ વરસાદ વરસતા યુવા ધન તેમજ બાળકો વરસાદની મોજ માણવા અને નાહવા માટે રોડ રસ્તા ઉપર નીકળી પડ્યા હતા જ્યારે ત્રણ ઇંચ વરસાદના પગલે શહેરના રાજમાર્ગો અને મુખ્ય રસ્તાઓ પર અડધો ફૂટ જેવા પાણી ભરાયા હતા.
કયા કેટલો વરસાદ
માંગરોળ – 1 ઇંચ
જોડીયા – 3॥ ઇંચ
જૂનાગઢ – 3॥ ઇંચ
ગોંડલ – 2॥ ઇંચ
જામ જોધપુર – 2॥ ઇંચ
સિહોર – 2॥ ઇંચ
ભાણવડ – 1॥ ઇંચ
કેશોદ – 1॥ ઇંચ
કલ્યાણપુર – 1 ઇંચ
જામનગર – 1 ઇંચ
ટંકારા – 1 ઇંચ
અંજાર – 1 ઇંચ
મેંદરડા – 1 ઇંચ
