શિક્ષણમંત્રી અને ઇસરો અમદાવાદના ડિરેક્ટર સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો દિક્ષાંત સમારોહ અગાઉ બે વખત મોકુફ રહ્યા બાદ આવતીકાલે રાજયપાલ આચાયર દેવવ્રતજીની ગેરહાજરીમાં બપોરે 3-30 વાગે યોજાશે. જેમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા, ઇસરો અમદાવાદના ડાયરેકટર નિલેશ દેસાઇ હાજરી આપશે. પદવીદાન સમારોહમાં 126 છાત્રોને ગોલ્ડ મેડલ અને 42 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધીશોએ જણાવ્યું હતું કે રાજયપાલ આચાયર દેવવ્રતજીની તબીયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ દિક્ષાંત કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં પરંતુ તેઓએ કાર્યક્રમ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલ મુંજાના આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજીને મુખ્ય અતિથી તરીકે આમંત્રણ આપવાની વિચારણા ચાલી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ પદવીદાન સમારોહને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ પુર્ણ કરી નાખવામાં આવી છે. 59મા પદવીદાન સમારોહમાં કુલ 13 વિદ્યાશાખાના 111 વિદ્યાર્થીઓને કુલ 126 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં દાતાઓ તરફથી કુલ 52 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 74 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. દાતાઓ તરફથી કુલ 108 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 113 પ્રાઈઝ મળીને 221 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવશે. 39 વિદ્યાર્થીઓ તથા 87 વિદ્યાર્થિનીઓ મળીને કુલ 126 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની રામચંદાણી તારીકાને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 4 (ચાર) ગોલ્ડ મેડલ અને 3 (ત્રણ) પ્રાઈઝ, જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થી ગાંધી ઝોહરને એમ.બી.બી.એસ.માં 3 (ત્રણ) ગોલ્ડ મેડલ અને 7 (સાત) પ્રાઈઝ, પ્રભાબેન પટેલ કોલેજ, મોરબીની વિદ્યાર્થીની વ્યાસ દેવાંગીને એલ.એલ.બી.માં 3 (ત્રણ) ગોલ્ડ મેડલ અને 6 (છ) પ્રાઈઝ, મોથીબા મહિલા આર્ટસ કોલેજ, અમરેલીની વિદ્યાર્થિની ડાભી ભૂમિકાબેનને બી.એ. ગુજરાતીમાં 3 (ત્રણ) ગોલ્ડ મેડલ તથા 2 (બે) પ્રાઈઝ એનાયત થશે.
ગીરગંગા ટ્રસ્ટનો કાર્યક્રમ રાજ્યપાલ દેવવ્રતજીની નાદુરસ્ત તબિયતને લીધે રદ
તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના વિરાણી પરીવારના અનુદાનથી બનાવેલ હીરાબા સરોવરની પણ મુલાકાત લેવાના હતા . ત્યારબાદ કાલાવડ રોડ, કોસ્મોપ્લેકસ સિનેમાની પાછળ આવેલ પેરેડાઈઝ હોલ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓને પ્રાકૃતિક ખેતીમાં અને જીવનમાં વરસાદી શુધ્ધ અમૃત સમાન પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા અંગેનું માર્ગદર્શન આપવાના હતા તેમાં ગુજરાત ના અલગ અલગ જીલ્લા માંથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના વરસાદી પાણીના યોગ્ય જતન માટે ચેકડેમ રીપેરીંગ,ઊંડા,ઊંચા તેમજ નવા કરવા અને રીચાર્જ બોર કરવા માટે દાતાઓના આર્થિક સહયોગ છે તેવા 2000 થી વધુ લોકો પધારવાના હતા જે કાર્યક્રમ રદ થતા દરેક લોકોની દિલગીરી વ્યકત કરીએ છીએ.