ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણીમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહી : યાર્ડમાં જણસીઓ પલળી જતાં ભારે નુક્શાની
રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, જીલ્લામાં નોંધપાત્ર વરસાદ
ગુજરાતમાં પણ ધારણા કરતાં વહેલું ચોમાસાનું આગમન થાય તેવો વરતારો છે. બીજી તરફ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનવાનીને અને વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. જેના ભાગરૂૂપે ગુજરાતના અલગ-અલગ ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂૂપે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ છવાયેલો હતો અને વહેલી સવારથી અસહ્ય ઉકળાટને અંતે બપોર બાદ ઠંડા પવન ફૂંકાવા લાગ્યા હતા અને સાંજના સમયે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના 31 જેટલા તાલુકામાં અડધાથી 2॥ ઈંચ વરસાદ વરસી ગયો જેમાં ગોંડલ, જામકંડોરણા અને કોટડાસાંગાણીમાં જોરદાર વરસાદ વરસતા નદીઓ બેકાંઠે વહેતી થઈ હતી. તેમજ ભારે વરસાદના પગલે યાર્ડમાં રાખેલ ખેડુતોની જણસી પલળી જતાં નુક્શાની થઈ હતી.
આજે સવારથી પણ દક્ષિણ મધ્ર્ય ગુજરાતમાં કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે અને 8 વાગ્યા સુધીમાં 22 તાલુકામાં ઝાપટાથી માંડી 2 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અંકલેશ્ર્વરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.
ગોંડલ
ગોંડલ શહેર અને તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેને કારણે માર્કેટિંગ યાર્ડમાં ભારે પવનના કારણે વૃક્ષો પડી ગયા. અને શેડ બહાર રખાયેલ ડુંગળી પલળી ગઇ હતી. ગત સાંજે દિવસભર નાં બફારા બાદ સાંજે આકાશી રુખ બદલાતા વિજળીની ગાજવીજ તથા ભારે પવન વચ્ચે ગોંડલ માં સવા ઇંચ તોફાની વરસાદ વરસતા રાજમાર્ગોપર પાણી ફરી વળ્યા હતા. ગટરમાં પાણી જવાના બદલે ભૂગર્ભ ગટરમાંથી પાણી બહાર નીકળ્યાં હતા.
વીરપુર
યાત્રાધામ વીરપુરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને સવારથી જ અસહ્ય બફારા અને ગરમીનું વાતાવરણ સર્જાયુ હતું બપોરબાદ સાંજના સમયે યાત્રાધામ વીરપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારે પવન સાથે ધોધમાર કમોસમી અંદાજીત અડધા થી એક ઇંચ જેટલો વરસાદ વરસી પડ્યો હતો, ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા વીરપુરના રોડ રસ્તાઓમાં નદીઓની માફક પાણી વહ્યા હતા જેમને લઈને યાત્રાધામમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો,વીરપુર પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો, કમોસમી ભારે વરસાદથી ખેડૂતોએ વાવેલા તલ,મગ, ડુંગળી,મગફળી સહિતના ઉનાળુ પાકને નુકશાનની ભીતિ સેવાઇ છે જ્યારે ધોધમાર વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેમને લઈને ગરમી અને બફારા થી લોકોને રાહત મળી હતી.
સાવરકુંડલા
કાલે બપોર બાદ સાવરકુંડલા શહેરમાં અચાનક ભારે પવન સાથે વરસાદ આવતાં શિવાજીનગર શેરી નંબર 6માં એક વિશાળ ઝાડ ધરાશાયી થયું હતું. આ ઘટનામાં અંદાજે ચાર વાહનો ઝાડ નીચે દબાઈ ગયા હતા, જેને કારણે વાહનોને નોંધપાત્ર નુકસાન થયું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ , હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે પવન અને વરસાદની આગાહી કરી છે, જેને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા અને વૃક્ષો તેમજ જોખમી બાંધકામો નજીક ન જવાની સલાહ આપવામાં આવે છે.
વડિયા
અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા મથક એવા વડિયા માં સમી સાંજે વીજળી ના કડાકા સાથે ધોધમાર દોઢ ઇંચ (41મીમી )વરસાદ ખાબક્યો હતો. આ વરસાદ થી વડિયાની મુખ્ય બજારો માં પાણી પાણી થઇ ગયુ હતુ. ઉનાળુ પાક માટે વડિયા અને આસપાસ ના ગ્રામીણ વિસ્તાર માં તલ, મગ, અડદ, ડુંગળી જેવા પાકો નુ વાવેતર થયેલું હોય પાક તૈયાર થવાની તૈયારી માં હોય તે સમયે જ મેઘરાજા એ માવઠા રૂૂપી કહેર વરસાવતા ખેડૂતો ને પારાવાર નુકશાની નો સામનો કરવો પડ્યો છે.
